જામનગર તાલુકાના ધોરીવાવ ગામમાંથી એલસીબીની ટીમે બે શખ્સોને 185 નંગ ઈંગ્લીશ દારૂના ચપટા અને બે મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી. જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાંથી રહેણાંક મકાનમાંથી એલસીબીની ટીમે રેઇડ દરમિયાન 8 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર તાલુકાના ધોરીવાવ ગામમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા, હરદીપ ધાધલ, ફીરોજ ખફીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે રેઈડ દરમિયાન પુંજા માણસુર બગડાના મકાનમાંથી પુંજા બગડા અને દરેડના જયસુખ સામત ખરા નામના બે શખ્સોને રૂા.18500 ની કિંમતનો 185 નંગ દારૂના ચપટા તથા રૂા.8000 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.26500 નો મુદ્દામાલ કબ્જે કરી બન્નેની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો રામ ઉર્ફે રામકો જીવા મેર નામના નાઘેડીના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલ્યું હતું.
બીજો દરોડો, જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની યશપાલસિંહ જાડેજા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન પરેશ રામજી ખરા નામના શખ્સના મકાનમાંથી તલાસી લેતા રૂા.3200 ની કિંમતની 8 બોટલ દારૂ મળી આવતા પોલીસે પરેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો દરેડના જયસુખ સામત ખરા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફીયત આપી હતી.