ધ્રોલ તાલુકાના લૈયારા ગામના પાદરમાંથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોની પોલીસે રૂા.6900 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના અશોકસમ્રાટનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.5040 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના લૈયારા ગામના પાદરમાં જાંબીડા જવાના માર્ગ પર બાવળની ઝાળીઓમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન ધીરુ લવજી વાડોદરિયા, ઈસ્માઇલ હાસમ ખીરા, માનસિંગ રઘુ વાઘેલા નામના ત્રણ શખ્સોને રૂા.6900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરમાં અશોકસમ્રાટનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન ભરત કાશીરામ, સંજય જગદીશ, અજય અજબરાવ જાદવ, રાજેશ ધનજી પટણી અને ગોરધન લક્ષ્મણ ઈગળે નામના પાંચ શખ્સોને રૂા.5040 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.