જામનગર તાલુકાના ખીમરાણાની સીમમાં આવેલી ભાયાવદરના ત્રણ ભાઈઓની સંયુકત જમીન ત્રણ શખ્સોએ સસ્તામાં પડાવી લઇ રૂા.1.15 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં રહેતાં સંજય કરશનભાઈ ભુત અને તેના અન્ય બે ભાઈઓની સંયુકત માલિકીની જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં 12 વીઘા જમીન આવેલી છે અને આ જમીનમાં અઢી વીઘામાં ફાર્મહાઉસ અને દશ વીઘામાં ખેતી કરતા હતાં. વર્ષ 2019 માં આ જમીન વેચવા માટે જામનગરના ગુલાબનગરમાં રહેતાં કિશોર ગજાનંદ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ જમીન રૂા.1.15 કરોડમાં વેંચવાનો સોદો થયો હતો. જે પૈકી 15 લાખ રોકડા દેવાના હતાં અને બાકીના રૂપિયાના ખીજડિયા અને હાપા વિસ્તારમાં આવેલી બીનખેતીના પ્લોટના દસ્તાવેજ કરાવી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. દરમિયાન દલાલ કિશોર મહેતાએ ત્રણેય ભાઈઓને બોલાવી નોટરી કરાવી પ્લોટનો વેચાણખત તૈયાર કરાવ્યો હતો.
દરમિયાન સંજયના ભાઈ હસમુખભાઈની કિશોરભાઈ દલાલે પ્લોટના માલિક તરીકે સરીફ ઓસમાણ, ગોગુભા ઉર્ફે ઘોઘુભા મનુભા જાડેજાની ઓળખ કરાવી હતી અને ત્યારબાદ વેચાણખત થઈ ગયા પછી ત્રણેય શખ્સોએ બન્ને પ્લોટના બોગસ દસ્તાવેજો કરી પટેલ ભાઈઓેને આપી દીધા હતાં. ત્યારબાદ આ પટેલ ભાઈઓએ આ પ્લોટ વેચવા મુકતા આ દસ્તાવેજ ફાજલ જમીન ખોટા દસ્તાવેજો હોવાનું જણાતા પટેલ પ્રૌઢે ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના ત્રણ શખ્સોએ કિંમતી જમીન સસ્તામાં પચાવી પાડી
ભાયાવદરના ત્રણ ભાઈઓ સાથે છેતરપિંડી : રૂા.1.15 કરોડની જમીન કૌભાંડમાં પોલીસ ફરિયાદ