દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં દરિયો તોફાની હોય, માછીમારી કરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ જિલ્લાના જુદા-જુદા દરિયા કાંઠાના વિસ્તારમાં રહેતા લોકો નિયમનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે માછીમારી કરવા જાય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે આ અંગે હાઇટેક બની અને ડ્રોનની મદદથી દરિયામાં માછીમારી કરી રહેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં સલાયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા સાથે પોલીસ સ્ટાફ દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન મહાવીરસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેટલાક શખ્સો દરિયામાં માછીમારી અર્થે ગયા હોવાનું ધ્યાને આવતા દરિયામાં ચેરની ઝાળીઓમાં છુપાઈને મોકો મળ્યેથી છુપી રીતે બંદર પર પરત ફરતા શખ્સોની શોધખોળ માટે ડ્રોન ઓપરેટરને સલાયા બંદર ખાતે બોલાવી અને આ ડ્રોન દરિયામાં ઉડાવી, ચેરની ઝાળીઓમાં લાઇવ વિડિયો ફૂટેજ મેળવવામાં આવ્યું હતું.
જેનો અભ્યાસ કરી, આ પ્રકરણમાં સલાયામાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈકબાલ આમદ સંઘાર (ઉ.વ. 27), કાસમ આમદ બારોયા (ઉ.વ. 38) અને સબીર મામદ મોડા (ઉ.વ. 40) નામના ત્રણ શખ્સોને યાંત્રિક બોટ મારફતે દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા ગયા હોવાથી પરત આવતા તેઓની વિધિવત રીતે અટકાયત કરી, આ તમામ સામે જાહેરનામા ભંગની કલમ 188 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વટહુકમની કલમ હેઠળ સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગ તથા સલાયા મરીન પોલીસ વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા અને વી.એન. સિંગરખીયા સાથે કિશોરસિંહ જાડેજા, હસમુખભાઈ ચૌહાણ, મહાવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સિદ્ધાર્થ સોલંકી અને કિશોરભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.