જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રીસામણે રહેલી પત્નીને મળી પરત ઘરે આવતા યુવાન પતિ ઉપર તેના જ કૌટુંબિક સાળા સહિત ત્રણ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ અને તલવાર વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડેશ્વર રોડ પર રામનગરના ઢાળિયા પાસે રહેતા બ્રિજરાજસિંહ કિરીટસિંહ પરમાર (ઉ.વ.32) નામના યુવાનની પત્ની રીસામણે હતી. જેથી પત્નીને મળીને રવિવારે રાત્રિના સમયે ઘરે પરતા આવતા સમયે રામનગરના ઢાળિયા પાસે બ્રિજરાજસિંહના કૌટુંબિક સાળા હાર્દિકસિંહ કિરીટસિંહ જાડેજા, પ્રકાશ વિનુ કોળી તથા અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ આંતર્યો હતો અને ‘તું મારી બહેનને શું કામ મળવા ગયો હતો ?’ તેમ કહી અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે પગમાં હુમલો કર્યો હતો તેમજ તલવાર વડે માથામાં ત્રણ ઘા ઝીંકતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ત્યારબાદ ત્રણ શખ્સોએ બ્રિજરાજસિંહને ઢીકાપાટુનો માર મારી ‘હવે મારી બહેનને મળીશ તો પતાવી નાખશું.’ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો પી.કે. વાઘેલા તથ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ ઈજાગ્રસ્ત બ્રિજરાજસિંહના નિવેદનના આધારે તેના કૌટુંબિક સાળા હાર્દિકસિંહ સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.