જામનગર નજીક આવેલા સાંઢીયા પુલ પાસેના 203 નંબરના ફાટક પર ફરજ બજાવતા કર્મચારીએ ટે્રન આવતા પહેલાં ફાટક બંધ કરતા ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈને કારમાંથી ઉતરી લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા નંદનવન પાર્કમાં રહેતાં પ્રવિણસિંહ જોરૂભા રાઠોડ નામના પ્રૌઢ સાંઢીયા પુલ નજીકના 203 નંબરના રેલવે ફાટક ઉપર ગેઈટ મેનની ફરજ બજાવતા હતાં. તે દરમિયાન તા.14 ના રોજ રાત્રીના સમયે ટે્રન આવવાની હોય જેથી કર્મચારીએ ફાટક બંધ કર્યુ હતું. ફાટક બંધ કરતા કારમાં રહેલા રમેશ અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી કર્મચારી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. તેમજ લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારી પ્રવિણસિંહની ફરજમાં રૂકાવટ કરી હતી. હુમલાના બનાવની જાણ કરતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે ગેઈટમેનના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.