- Advertisement -
દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે આવેલી જી.એમ.બી.ની જેટી પર આજરોજ સવારના સમયે ચાલી રહેલા કામ દરમિયાન અહીં રહેલી એક વિશાળકાય ક્રેનનો એક ભાગ તૂટી પડતા ત્યાં ઉભેલા ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે આવેલ ગુજરાત મેરીટાઈમ બોર્ડની જેટી પર કોસ્ટ ગાર્ડ દ્વારા પીલર બનાવવાનું કામ ચાલતું હોય, આજે સવારે આશરે 11 વાગ્યે જેટી પર કાર્યરત ક્રેનનો આગલો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેના કારણે ક્રેન પાસે ઉભેલા બે એન્જિનિયર તથા એક મજૂર ક્રેન નીચે દબાઈ જતા તે ત્રણેયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ બાબતની જાણ પોલીસને કરાતા સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી, ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતી. જે સંદર્ભે પોલીસે આ સમગ્ર ઘટના ક્રમની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણ અંગેની વિગત દ્વારકાના પ્રાંત અધિકારીએ આપી હતી.
મૃતકમાં નિશાંતસિંઘ રામસિંહ (ઉ.વ. 25, રહે. રતનપુર સુરકાબાદ યુ.પી.) તથા અરવિંદકુમાર મુરારીલાલ (ઉ.વ. 25, રહે. નાગલા ગંજ, યુ.પી.) તથા જીતેન્દ્ર ગોબરીયા ખરાડી (ઉ.વ. 30, રહે. સલુનિયા, યુપી.) નો સમાવેશ થાય છે.
- Advertisement -