જામનગર તાલુકાના ગોરધનપર પાસે આવેલી હોટલમાં જમવાના ઓર્ડર બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એકસંપ કરી બે ભાઇઓ ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યાનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કારમાં નાશી ગયેલા હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં ગુરુવાર તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જો કે, મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. મતદાનની રાત્રીના સમયે જામનગર તાલુકાના સરમત ગામના પાટિયા પાસેના વિસ્તારમાં રહેતા દેવદાસ અને ખિરાજ ભાયાભાઇ રાજાણી નામના બે ભાઇઓ ગુરુવારની રાત્રીના સમયે ગોરધનપર ગામના પાટિયા પાસે આવેલી બંગાળીની હોટલમાં જમવા માટે ગયા હતાં. જ્યાં જમવાનો ઓર્ડર આપવા બાબતે બોલચાલી થઇ હતી. બોલાચાલી થવાથી અજાણ્યા ત્રણ શખ્સોએ બન્ને ભાઇઓ સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ ત્રણ પૈકીના બે શખ્સોએ ખિમરાજ રાજાણી નામના યુવાનને પકડી રાખ્યો હતો અને ત્રીજા શખ્સે છરીના આડેધડ ઘા ઝિક્યા હતાં.
જીવલેણ હુમલો થતાં ખિમરાજને બચાવવા માટે તેનો ભાઇ દેવદાસ સહિત બે યુવાનો વચ્ચે પડયા હતાં. પરંતુ ત્રણેય શખ્સોએ છોડાવવા પડેલા બે યુવાનો ઉપર પણ છરીના ઘા ઝિક્યાં હતાં. હોટલ પાસે જીવલેણ હુમલો થતાં શિભાગ મચી ગઇ હતી. હુમલામાં ઘવાયેલા બન્ને ભાઇઓ સહિત ત્રણ યુવાનોને લોહી-લુહાણ હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં બનાવની જાણ થતાં પીએસઆઇ એ.વી. સરવૈયા તથા સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયા હતાં. જ્યાં જીવલેણ હુમલામાં ઘવાયેલા ખિમરાજ રાજાણીની સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. તેમજ દેવદાસ સહિતના ઘવાયેલા બે યુવાનોની હાલત પણ ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે હત્યાના બનાવમાં ઘવાયેલા દેવદાસના નિવેદનના આધારે ત્રણ અજાણ્યા શખ્સો વિરુધ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ હાથ ધરતાં હત્યારા ત્રણ અજાણ્યા શખ્સો હુમલો કરી ઘટના સ્થળેથી જીજે-10 ડીઇ-9187 નંબરના અર્ટીગા કારમાં બેસીને નાશી ગયા હતાં. જેથી પોલીસે ત્રણેય હત્યારાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. હત્યાના બનાવની જાણના આધારે એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી.