જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર નવમાં રહેતાં પ્રૌઢાના ઘરે છ દિવસ પૂર્વે સવારના સમયે નામચીન શખ્સ સહિતના ત્રણ શખ્સોએ વકીલના કહેવાથી પ્રૌઢાનું મકાન ખાલી કરાવવા સામાનમાં નુકશાની પહોંચાડી અને મકાન ખાલી કરી રૂા. 50 હજારની માંગણી કરી હતી. મકાન ખાલી નહીં કરો તો મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે વકિલ સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર નવમાં રહેતાં યાદવ પાનની સામે આવેલા ચિરાગ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં વર્ષાબેન સંજયભાઇ ધકાણ (ઉ.વ.50) નામના સોની પ્રૌઢાના ગત્ તા. 06ના સવારના 10 વાગ્યાના અરસામાં દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન મંગળસિંહ ચૌહાણ, બલભદ્રસિંહ જાડેજા અને અજાણ્યા સહિતના ત્રણેય શખ્સો પ્રૌઢાના ઘરે ગયા હતા. જ્યાં દીવલાએ કહ્યું કે, ‘હું જામનગરનો દીવલો ડોન છું. નિર્મળસિંહ મારા વકિલ છે. તેને તારૂં ઘર ખાલી કરવાનું કીધું છે.’ તેમ જણાવી ત્રણેય શખ્સોએ પ્રૌઢાને ગાળો કાઢી તેના ઘરમાં રહેલો અરીસો તથા પંખો જમીન પર પછાડી નુકશાન કર્યું હતું. પ્રૌઢાને તેમનું મકાન ખાલી કરવા રૂા. 50 હજારની માંગણી વકીલના કહેવાથી કરી હતી. ત્રણેય શખ્સોએ પ્રૌઢાને મકાન ખાલી નહીં કરે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.
પ્રૌઢાએ આખરે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન સહિતના ત્રણ શખ્સો તથા નિર્મળસિંહ વકીલ સહિતના ચાર શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


