જામનગર તાલુકાના સપડા ગામમાં યુવાને સાઈડમાં ગાડી ચલાવવાનું કહેતા તેના ઉપર ત્રણ શખ્સોએ છરી અને મુઠ વડે તથા ધોકા વડે હુમલો કરી કારમાં ધોકા મારી નુકસાન પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સપડા ગામમાં જૂની પંચાયત પાસે રહેતાં કૃપાલસિંહ જાડેજા નામનો યુવાન રવિવારે સાંજના સમયે સપડા મંદિર નજીક આવેલી રેસ્ટોરન્ટમાં તેની શીફટ કારમાં નાસતો કરવા જતો હતો તે દરમિયાન સામેથી આવતી કાળા કલરની કારના ચાલકને સાઈડમાં ચલાવવાનું કહેતાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ કરણસિંહ રાઠોડ નામના ત્રણ શખ્સો એ કૃપાલસિંહ ઉપર છરીનો ઘા માર્યો હતો તેમજ અન્ય શખ્સએ મુંઠનો ઘા મારી ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ યુવકની જીજે-10-ડીએન-0291 નંબરની શિફટ કારમાં ધોકા મારી નુકસાન પહોંચાડયું હતું. હુમલો અને કારમાં નુકસાન અંગેની જાણ કરાતા પીએસઆઈ જે.પી.સોઢા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.