જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સાજડીયારી ગામે ત્રણ વર્ષ પૂર્વેના ચૂંટણીના મનદુઃખને લઈને એક યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની પોલીસચોપડે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ની વિગત મુજબ આરોપીઓના સંબંધી ઝાલાભાઇ ચારણે ખટીયા ગામમાં વર્ષ ૨૦૧૮ માં સરપંચની ચુટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. પરંતુ ઝાલાભાઇ ને ત્રણ સંતાનો હોવાથી રહીમભાઈએ અરજી કરી તેનુ ઉમેદવારી ફોર્મ રદ કરાવ્યુ હતું. આ અરજીનો ખાર રાખી જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સાજડીયારી ગામે ગઈકાલે રાત્રે ભુરાભાઇ ચારણના ઘરે લગ્ન પ્રસંગે જમવા ગયેલ ખટિયા ગામે રહેતા રહીમભાઇ મામદભાઇ શેઠાના ભાઈ સાહિલ પર ગોપાલભાઇ શીવાલાભાઇ, વીરાભાઇ રાજકરણભાઇ અને દેગાભાઇ ધનાભાઇ નામના ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં આરોપી ગોપાલે ધક્કો મારતા સાહિલએ ‘ધકો શું કામ મારેલ’ તેમ કહેતા આરોપી ગોપાલે પોતાના હાથમાં પહેરેલ કળુ સાહીલને માથાના ભાગે ઘા કર્યો હતો. જયારે અન્ય બંને આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી ગાળો કાઢી હતી. આ બનાવમાં સાહિલને માથાના ભાગે ઈજા પહોચી હતી.
આ બનાવ અંગે લાલપુર પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી હતી.