જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં અને માછીમારી કરતાં યુવાનને ત્રણ શખ્સએ પૈસા માંગીએ છીએ તે કયારે આપીશ? તે બાબતે બોલાચાલી કરી લાકડાંના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગરના રવિ પાર્કમાં રહી માછીમારી કરતો ઇબ્રાહિમ ઉર્ફે જોહન અકબર લોઢડા (ઉ.વ.34) નામનો યુવાન ગત્ શનિવારે રાત્રિના સમયે તેના ઘરે જતો હતો તે દરમ્યાન સીએનજી પંપની સામેના ઢાળિયા પાસે રાહુલ ગોસાઇ, શાહરૂખ બશીર જામ અને સમીર રફિક જામ નામના ત્રણ શખ્સોએ આંતરીને બાકી નીકળતાં રૂપિયાની માંગણી કરી હતી. જેથી ઇબ્રાહિમે અત્યારે મારી પાસે પૈસા નથી. આવશે એટલે આપી દઇશ. તેમ જણાવતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


