Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં અન્યના ઝઘડામાં યુવક ઉપર ત્રણ શખ્સોનો હુમલો

જામનગર શહેરમાં અન્યના ઝઘડામાં યુવક ઉપર ત્રણ શખ્સોનો હુમલો

નીલકમલ સોસાયટીમાં તવિથો અને ઢીકાપાટુનો માર માર્યો : ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો : પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

ખબર-જામનગર
જામનગર નિલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પાણી પીવા માટે ગયેલા એક યુવાનને બીજા બે જૂથના ઝઘડામાં માર ખાવાનો વારો આવ્યો છે, અને ત્રણ શખ્સોએ માથામાં તવીથો ફટકારી દઈ હીચકારો હુમલો કરી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં ખસેડાયો છે, અને માથામાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતો અને મંડપ સર્વિસ ચલાવતો શક્તિસિંહ ઉર્ફે સંજય વિભાજી જાડેજા નામનો ચોવીસ વર્ષનો યુવાન પોતાના મંડપના કામકાજને લઈને પોતાના માસીયાઈ ભાઈ જયપાલસિંહ સાથે નીલકમલ સોસાયટી વિસ્તારમાં મંડપ છોડાવવા માટે ગયો હતો, ત્યારબાદ તે વિસ્તારમાં આવેલી શક્તિ કૃપા નામની ચાની હોટલમાં ચા પાણી પીવા માટે બંને ઊભા હતા.

તે દરમિયાન હોટલ પાસે બે જૂથ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો, અને એક જૂથના મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ, અને જયપાલ વગેરે ત્રણેય ચા પીવા માટે આવેલા મંડપ સર્વિસ ના સંચાલક એવા બંને યુવાનોને પણ પોતાની સાથે ઝઘડો કરવા માટે આવ્યા છે, અને વિરોધ જૂથના સભ્યો છે તેમ માનીને તેઓ પર હુમલો કરી દીધો હતો.

- Advertisement -

આરોપીએ હોટલમાંથી તવિથો લઈ આવી અને શક્તિસિંહના માથામાં હુમલો કરી દેતાં તેના માથામાં ઊંડો ઘા થઈ ગયો હતો, અને લોહીની ધાર વહી ગઈ હતી. આ બનાવ બાદ શક્તિસિંહ ને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેના માથામાં ટાંકા લેવા પડયા છે, ઉપરાંત હેમરેજ સહિતની પણ ઈજા થઈ છે.

આ બનાવની જાણ થતાં સિટી ‘સી’ ડિવિઝનના પીઆઇ એન. બી. ડાભી અને તેઓની પોલીસ ટીમ ઘટના સ્થળે અને ત્યારબાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાન શક્તિસિંહ જાડેજા ની ફરિયાદ ના આધારે ત્રણ આરોપીઓ મિત સંજયભાઈ સોઇગામાં, તુષાર બારોટ, અને જયપાલ સામે હુમલા અંગે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular