કાલાવડ ગામમાં બાઇક પર બેસીને ફોનમાં વાત કરતાં યુવક ઉપર ત્રણ શખ્સે આવીને, ‘અહીં કેમ બેઠો છે?’ તેમ કહીને છરીના ઘા ઝીંકી ઇજા કર્યાના બનાવમાં પોલીસે બે ભાઇઓ સહિત ત્રણ શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતો અને મજૂરીકામ કરતો દેવેનભાઇ રાજુભાઇ કીલાણીયા (ઉ.વ.20) નામનો યુવક ગત્રાત્રિના સમયે પૂલ ઉપર તેના બાઇક પર બેઠા બેઠા સગાઇ થઇ ગઇ હોય મોબાઇલમાં વાત કરતો હતો દરમ્યાન મનોજ દિનેશ ગોહિલ, હિરેન ઉર્ફે કાચો મનસુખ કાનાણી અને તેનો ભાઇ વિશાલ મનસુખ કાનાણી (રહે. કાશ્મિરપરા) નામના ત્રણ શખ્સોએ બાઇક અને એક્સેસ પર આવી દેવેનને કહ્યું કે, “તું અહીં કેમ બેઠો છો. અહીં બેસવાનું નહીં.” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. હિરેને તેની પાસે રહેલી છરીનો ઘા ઝીંકયો હતો. હુમલો થવાથી દેવેન ભાગવા જતાં મનોજ અને વિશાલે પકડી લઇ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દેવેનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની જાણના આધારે એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફએ દેવેનના નિવેદનના આધારે ત્રણ શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


