ધ્રોલ તાલુકાના લાલપુર ગામમાં રહેતી 18 વર્ષની યુવતી અને ધ્રોલના ફૂલવાડી વિસ્તારની 19 વર્ષની તથા નાના ગરેડિયાની 22 વર્ષની યુવતી સહિત ત્રણેય યુવતીઓ છેલ્લા દોઢ માસ દરમ્યાન લાપત્તા થયાની ઘટનામાં પોલીસે યુવતીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વિસ્તારમાંથી એક પછી એક એમ ત્રણ યુવતીઓ લાપત્તા થતાં પંથકમાં ચકચાર જાગી છે. વધુ મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના લાલપુર (લતીપર) ગામમાં રહેતા ચંદુભાઇ સરવૈયા નામના યુવાનની પુત્રી દક્ષાબેન સરવૈયા (ઉ.વ.18) નામની શ્યામવર્ણી યુવતી ગત્ તા. 30ના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં બ્લ્યૂ કલરનું જીન્સ તથા પીળા કલરનો ઝભ્ભો પહેરેલ, ગુજરાતી બોલતા આવડતું હોય, આ યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા આખરે પોલીસે યુવતીની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ ધ્રોલ ગામમાં ફૂલવાડી રોડ પર આવેલા ખાટકીવાસમાં રહેતા રજાકભાઇ સુલેમાનભાઇ કોચલિયાની પુત્રી અલજીનાબાનુ કોચલિયા (ઉ.વ.19) નામની લીલા તથા કાળા કલરનો બાંધણવાળો ડ્રેસ અને ચુંદડી પહેરેલ, હિન્દી તથા ગુજરાત બોલતી યુવતી ગત્ તા. 11 ઓગસ્ટના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં ઘરેથી જતી રહી હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવા છતાં પત્તો લાગ્યો ન હતો. આખરે એએસઆઇ ડી. જે. ગાગિયા તથા સ્ટાફ દ્વારા લાપત્તા યુવતીની શોધખોળ આરંભ હતી. યુવતી અંગેની જાણ થાય તો ધ્રોલ પોલીસ સ્ટેશન અથવા કોઇપણ પોલીસ સ્ટેશનમાંદ જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.
ત્રીજો બનાવ ધ્રોલ તાલુકાના નાના ગરેડિયા ગામમાં રહેતાં અમરશીભાઇ શિયાર નામના પ્રૌઢની પુત્રી તૃષાબેન અમરશીભાઇ શિયાર (ઉ.વ.22) નામની બ્લ્યૂ કલરનો ડ્રેસ તથા બ્લેક કલરની ચોરણી પહેરેલ, હિન્દી તથા ગુજરાતી લખતા બોલતા આવડતી યુવતી ગત્ તા. 23ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં તેના ઘરેથી પ્રસંગમાં જવાનું કહીને નીકળી હતી. ત્યારથી લાપત્તા થયેલી યુવતીનો પત્તો ના લાગતા પરિવારજનોએ શોધખોળ બાદ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફએ તૃષાબેનની શોધખોળ માટે તપાસ આરંભી યુવતી અંગે કોઇપણ માહિતી મળે તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી હતી.


