ભાણવડ તાલુકાના કિલેશ્વર નેસ વિસ્તારમાં રહેતા પાલાભાઈ આલાભાઈ મોરી નામના 60 વર્ષના રબારી વૃદ્ધ ગઈકાલે બુધવારે સાંજે છએક વાગ્યાના સુમારે લૌકિક પ્રસંગ પતાવી અને મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા, ત્યારે કિલેશ્વર નેસ નજીકના કોઝવે પાસેથી પસાર થતાં આ પંથકના મુશળધાર વરસાદના કારણે પસાર થતા પાણીના વહેણમાં તેઓ તણાઈ જતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવની જાણ મૃતકના ભાણેજ કારાભાઈ કાનાભાઈ હુંણ (ઉ.વ. 35, રહે. કિલેશ્ર્વર નેસ) દ્વારા ભાણવડ પોલીસને કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા કરશનભાઈ દેવાભાઇ ગોરડીયા નામના સિત્તેર વર્ષના વૃદ્ધના પુત્રવધુ આલુબેન સાથે તેમને પાંચેક દિવસ પૂર્વે કોઈ બાબતે ઝઘડો થયો હતો. એ બાબતનું મનદુ:ખ રાખી, આલુબેને ફિનાઈલ પી લીધું હતું. આ બાબતથી વ્યથિત બનેલા કરસનભાઈને મનમાં લાગી આવતા મંગળવારે તેમણે પોતાના નાનાભાઈ નથુભાઈ દેવાભાઈ ગોરડીયાના રહેણાંક મકાન પાસે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ ચિરાગ ભીખાભાઈ ગોરડીયાએ અહીંની પોલીસને કરી છે.
અન્ય એક બનાવમાં ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર આંબલીયારા ગામે રહેતા વનીતાબેન કમલેશભાઈ ઘોયલ નામના 35 વર્ષના કોળી મહિલાને હેમરેજ થઈ જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા
પાણીના વહેણમાં તણાઈ જતા ભાણવડ પંથકના વૃધ્ધનું મૃત્યુ