કલ્યાણપુર તાલુકાના રાવલ હનુમાનધારમાં રહેતી યુવતીએ તેની બહેન સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. દ્વારકા તાલુકાના શામરાસરમાં રહેતાં પ્રૌઢે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન તેમુનં મોત નિપજ્યું હતું. દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમ પાછળ રહેતા યુવાનને એકાએક ચકકર આવતા બીજા માળેથી પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના રાવલ હનુમાનધાર ખાતે રહેતી નીતાબેન વેજાભાઈ હમીરભાઈ જમોડ નામની 19 વર્ષની અપરિણીત યુવતીને તેની બહેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હોવાથી આ બાબત નીતાબેનને મનમાં લાગી આવતા તેણીએ ઘરમાં રહેલી જંતુનાશક દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હોવાની જાણ મૃતકના પિતા વેજાભાઈ હમીરભાઈ જમોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.
બીજો બનાવ, દ્વારકા તાલુકાના શામરાસર ગામે રહેતા માણેકના 55 વર્ષના પ્રૌઢને દારૂ પીવાની કુટેવ હોય તેણે ગત તા. 20ના રોજ કોઈ અગમ્ય કારણોસર શાકભાજીમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ કરસનભા ધનાભા માણેકએ ઓખા મરીન પોલીસને કરી છે.
ત્રીજો બનાવ, દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમ પાછળ રહેતા ગોવિંદભાઈ ટપુભાઈ ગોહેલ નામના 48 વર્ષના યુવાન બીજા માળે ફર્નિચર લગાવવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચક્કર આવતા બીજા માળેથી તેઓ નીચે જમીન પર પટકાયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણ મૃતકના પુત્ર સમીર ગોવિંદભાઈ ગોહેલ દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે.