Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરITRA દ્વારા આજથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

ITRA દ્વારા આજથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

દેશ-વિદેશના તજજ્ઞો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે : 10થી વધુ વકતા જોડાશે : ડીઝીટલ એપ્લીકેશનનું લોન્ચીંગ

ITRA ની સ્થાપનાને પ વર્ષ પુર્ણ થતાં અને સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ આપવા સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રને 25 વર્ષ પુર્ણ થઇ રહ્યા હોય વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરીષદમાં બી.જે. પટગીરી, પ્રો. મનદિપ ગોહિલ, પ્રો. નેહા ટાંક, પ્રો. દર્શના પંડયા ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન જામનગર એટલે આઇ.ટી.આર.એ.ની સ્થાપના 15 ઓક્ટોબર 2020ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2025માં તેની સ્થાપનાને 5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સ્થાપના દિવસની ઉજવણી એક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ આયુર જેરીયકોન-2025 આઓજિત કરી કરવામાં આવી છે. આજ વર્ષે સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ આપવા સ્થપાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રને પણ 25 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે ત્યારે તેની પણ ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતમાં સૌપ્રથમ વખત યોજાવા જઇ રહેલાં આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ, એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન ડો. બી. એલ. મહેરા અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી રહેશે. તેમજ દેશ અને દુનિયામાં આયુષ અને અન્ય ચિકિત્સા પધ્ધતિઓની સંસ્થા અને યુનિવર્સિટીઓના 26 જેટલાં વડાઓ-તજજ્ઞો ઓફલાઇન તેમજ ઓનલાઇન (વર્ક્યુઅલ પધ્ધતિથી) જોડાશે. ઉપરાંત નીતિ આયોગ ભારત સરકારના હેલ્થ રીસર્ચ ઓફિસર શોભિત કુમાર સહિતની વિવિધ વિદ્યાશાખાઓના તજજ્ઞો પણ પોતાનું જ્ઞાનરૂપી યોગદાન આપશે અને આમ થવાથી સમગ્ર વિશ્વ માટે આયુર્વેદના સથવારે વૃધ્ધાવસ્થાને સ્વાસ્થ્ય સમૃધ્ધ કરવા નીતિ અને માર્ગદર્શીકા તૈયાર કરવામાં આવશે.

- Advertisement -

આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં 10થી વધુ વકતાઓ માર્ગદર્શન આપશે તેમજ ભારત ઉપરાંત અન્ય દેશો સહિત કુલ 450 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સાથે 60 જેટલા વિદ્યાર્થીઓ પેપરો રજૂ કરશે. તેમજ વૃઘ્ધાવસ્થા માટે સારવાર સહિતની બાબતો અંગેની ડીઝીટલ એપ્લીકેશનનું પણ લોન્ચીંગ કરવામાં આવશે.

આયુર્વેદ માટે જામનગર એ જનક ભૂમિ સમાન છે ત્યારે તેના સુગ્રથિત શિક્ષણની તામામ તબક્કે શરૂઆત જામનગરથી થઇ છે. સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ માટે એક અલાયદું કેન્દ્ર પણ જામનગર ખાતે જ શરૂ કરવામાં આવ્યું હતું. આ રજત જયંતિ સફરમાં અત્યાર સુધીમાં વિશ્વભરના કુલ 67 દેશોમાંથી 525 વિદેશી વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યાં છે.

- Advertisement -

આઇ.ટી.આર.એ. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે સમગ્ર વિશ્વમાં એલોપથી ચિકિત્સા પધ્ધતિમાં જીરીયાટીક એટલે કે વૃધ્ધાવસ્થા માટેની ચિકિત્સા અને સારસંભાળ માટે અલાયદી વ્યવસ્થા છે પરંતુ આયુર્વેદમાં આજ સુધી માત્ર તે સંદર્ભ ગ્રંથોમાં સિમિત હતું પણ હવે તેની અલગ વ્યવસ્થા ઉપલબ્ધ બને તે માટે વિચાર મંથન અને આગામી માર્ગદર્શીકા તૈયાર કરવા માટે 3 દિવસીય જીરીયાકોન-2025 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી 500થી વધુ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને અભ્યાસુઓએ ભાગ લેવાના છે એટલું જ નહીં પરંતુ સંશોધન પત્રો પણ રજૂ કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાક્ષાના તજજ્ઞો વકતા તરીકે વિવિધ 10 જેટલા પેટાં વિષયો પર પરિસંવાદમાં જોડાશે જેમાં અર્જેન્ટિના, ઇટાલી, ભૂટાન અને શ્રીલંકાથી પધારશે. કુલ 10 વકતાઓ દ્વારા 3 દિવસમાં વિવિધ સત્રોમાં આ સમગ્ર પરિષદ યોજાઇ રહી છે. કુલ 6 જેટલાં વર્કશોપમાં વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શન દ્વારા વિવિધ માર્ગદર્શીકા પણ તૈયાર થશે. આ પરિષદમાં કલિનિકલ જીરિયાટીક આયુર્વેદ પ્રેક્ટિસનરો માટેની તૈયાર થયેલી ડિજીટલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. પરિષદમાં આયુર્વેદ થકી વૃધ્ધાવસ્થાની સારવાર માટેની અલગ અભ્યાસક્રમ માટેનો પાઠ્યક્રમ તૈયાર કરવો, માળખું ઘડવું અને પ્રાયોગિક કાર્યો માટેની વ્યવસ્થાનું સંપૂર્ણ માળખું પણ તૈયાર કરવામાં આવશે જે ભવિષ્યમાં સમગ્ર દેશ-દૂનિયા માટે દીવાદાંડી સમાન બની રહેશે.

આ કોન્ફરન્સ દ્વારા આગામી પાંચ વર્ષ માટે જીરીયાટીક હેલ્થ માટેનો એક્શન પ્લાન અને ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેને નજીકના ભવિષ્યમાં કાર્યમાન કરવામાં આવશે અને વૃધ્ધાવસ્થા માટે આયુર્વેદ પધ્ધતિથી ઉપચારની એક નવું સિમાંકન અંકિત થશે. આઇ.ટી.આર.એ. ખાતે આયુર્વેદ પધ્ધતિથી સંચાલિત રિજ્યોનલ કેર સેન્ટર પણ નજીકના ભવિષ્યમાં સ્થાપવામાં આવશે જ્યાં વિશેષ રીતે વૃધ્ધોની સારવાર આપવામાં આવશે.

જામનગરના આયુર્વેદ પરિસારમાં આવેલું ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડિઝ કેન્દ્ર વર્ષ 2000માં ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના તત્કાલીન કુલપતિ સ્વ. પ્રોફેસર વૈદ્ય પી.વી.એન. કુરૂપ અને આઇ.પી.જી.ટી.આર.એ.ના તત્કાલીન ડાયરેક્ટર સ્વ. પ્રોફેસર વૈદ્ય એમ. એસ. બઘેલની દીર્ઘ દ્રષ્ટીથી સ્થાપવામાં આવ્યું હતું. આજે આ કેન્દ્ર આયુષ મંત્રાલયના આઇ.ટી.આર.એ. દ્વારા સંચાલન કરવામાં આવે છે.

વર્ષ 1992માં જ ત્રણ માસનો ટુંકાગાળાનો અભ્યાસ્ક્રમ શિખવા વિદેશી વિદ્યાર્થીઓ અત્રે આવતા જ હતાં પરંતુ દીર્ઘ દ્રષ્ટીકોણ ધરવતા નેતૃત્વના સફળ પ્રયત્નોથી ભારત સરકાર દ્વારા 10 વિદેશી વિદ્યાર્થીઓ માટે વિશેષ સીટ ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2000માં ખાસ કેન્દ્રની અલગથી સ્થાપના થઇ અને તબક્કાવાર આ કેન્દ્ર માસ્ટર ડીગ્રી અને હવેતો પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.

હાલ વિશ્વના 70થી વધુ દેશોમાં અહીંથી આયુર્વેદનો અભ્યાસ કરી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પોતાના દેશમાં આયુર્વેદ ક્ષેત્રે ચિકિત્સક અને સંશોધક તરીકે કાર્ય કરી રહ્યાં છે. જાપાન, બ્રાઝિલ, રશીયા, શ્રીલંકા, મોરેશ્યસ, યુનાઇટેડ કિંગડમ, નેપાલ અને ભૂટાન જેવા દેશોમાં આ અયુર્વેદ વૈદ્યોની પ્રેક્ટિસનો લાભ લેવા ત્યાંના દેશવાસીઓ ઉત્સાહ અને વિશ્વાસભેર સારવાર યજ્ઞનો લાભ લઇ રહ્યા છે. વધુમાં આ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા દૂનિયાના 10 દેશોની ટોચ કક્ષાની સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે જે ખૂબ જ ધ્યાનાકર્ષક બાબત ગણાય.

અત્રે ઉલ્લેખનીય છે કે આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ અભ્યાસ માટે અલગ વર્ગો, નિવાસી વ્યવસ્થા, ખાસ ભાષાકિય શિક્ષણ અને પ્રાયોગિક શિક્ષણ ઉપલબ્ધ બનાવી શકાય તેવું સમગ્ર દેશમાં એક માત્ર કેન્દ્ર એટલે ઇટ્રાનું આઇ.સી.એ.એસ. કેન્દ્ર છે. નવાનગર-જામનગરના રાજવી પરિવાર દ્વારા રાજ્યાશ્રય પામી રોપવામાં આવેલો આયુર્વેદનો છોળ આજે એક વટવૃક્ષ બની વિશ્વભરમાં પ્રસરાયો છે અને છાયડારૂપી ચિકિત્સા સૌને ઉપલબ્ધ કરાવી રહ્યો છે. જામનગર માટે આ અત્યંત ગૌરવશાળી બાબત ગણાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular