જામનગર શહેર જિલ્લામાં મેઘરાજાના વિરામ બાદ સોમવારે રાત્રિથી ફરી મેઘરાજાનું પુનરાગમન થયું હતું. ગઇકાલે બુધવારે પણ છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધી પાણી વરસી ગયું હતુું. જો કે મોટાભાગના વિસ્તારો કોળા ધાકડ રહ્યા હતાં.
જામનગર શહેર જિલ્લામાં મેઘરાજાનું પુન: આગમન થયું હતું. છેલ્લાં બે દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઈંચ સુધી પાણી વરસી ગયું હતું. જ્યારે જામનગરના શહેરીજનો હજુ પણ સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જામનગર શહેરમાં છુટાછવાયા વરસાદથી બાળકો ન્હાવાનો આનંદ લઇ રહ્યા છે. પરંતુ, હજુ સુધી જોઇએ તેવો વરસાદ થયો નહોય. લોકો આતુરતાપૂર્વક વરસાદ થાય તેની રાહ જોઇ રહ્યા છે. ગઈકાલે દિવસ દરમિયાન ધ્રોલ તાલુકામાં 9 મિ.મી., લાલપુરમાં પાંચ મિ.મી. તથા કાલાવડમાં ચાર મિ.મી., અને આજે સવારે જામજોધપુરમાં પાંચ મિ.મી.ના સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં.
જ્યારે ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો લાલપુર તાલુકાના મોડપરમાં ત્રણ ઈંચ તથા જામજોધપુર તાલુકાના પરડવામાં તથા સમાણામાં બે-બે ઈંચ અને જામનગરના જામવણથલી અને ધ્રોલના લૈયારામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. મોટાવડાળા અને ભલસાણ બેરાજામાં અડધો-અડધો ઈંચ તથા જામજોધપુરમાં વાંસજાળિયા, લાલપુરના મોટા ખડબામાં પણ એક એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલના જાલિયાદેવાણીમાં ચાર મિ.મી., કાલાવડના નિકાવામાં ત્રણ-ત્રણ મિ.મી., ખરેડીમાં બે મિ.મી., લાલપુરના ભણગોરમાં છ મિ.મી. વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં.