દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં મેઘરાજા જાણે કંજુસાઈ કરી રહ્યા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
ગઈકાલે બુધવારે કલ્યાણપુર તાલુકામાં મેઘ મહેર વરસી હતી. બુધવારે બપોરે બે વાગ્યાથી શરૂ થાય અને મેઘ સવારી અવીરત રીતે સાંજે પાંચ વાગ્યા સુધી વરસી હતી અને આશરે ચારેક કલાકના સમયગાળા દરમિયાન સાડા ત્રણેક ઈંચ ( 89 મિલીમીટર) પાણી વરસી જતા ઠેરઠેર પાણી ભરાયાના ચિત્રો જોવા મળી રહ્યા હતા. આટલું જ નહીં, ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ વિસ્તારમાં ચારથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણીથી થોડો સમય ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ જ રીતે કલ્યાણપુર તાલુકાના અન્ય ગ્રામ્ય પંથકના પણ સચરાચર ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસી જતા ખેતરોમાં ઉભા મોલને નોંધપાત્ર ફાયદો થયાનું બહાર આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરે ઝાપટાં રૂપે પોણો ઈંચ (16 મિલીમીટર) પાણી વરસી ગયું હતું. જ્યારે ભાણવડ તાલુકામાં માત્ર પાંચ મીમી અને દ્વારકા તાલુકામાં માત્ર બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગઈકાલે બપોર બાદ ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આજે સવારથી સૂર્યનારાયણના દર્શન થયા હતા અને વાદળોની આવનજાવન વચ્ચે વરાપ અનુભવાયો હતો.