ઓખાના દરિયામાંથી પાકિસ્તાન સરહદ નજીકથી પખવાડિયા પૂર્વે કોસ્ટ ગાર્ડ તથા એટીએસ દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં ‘અલ સોહેલી’ નામની એક ફિશિંગ બોટમાંથી આશરે રૂા. 280 કરોડની કિંમતનું ડ્રગ્સ સાંપડ્યું હતું.
આ બોટમાંથી પોલીસે 10 પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હતા. આ તમામ શખ્સોને એટીએસ દ્વારા ઓખાની અદાલતમાં રજૂ કરી, પ્રથમ 12 દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ તમામ શખ્સોની રીમાન્ડ પૂર્ણ થતા ગઈકાલે સોમવારે સાંજે આરોપીઓને ઓખાની જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જે પૈકીના ત્રણ શખ્સોના વિવિધ મુદ્દે વધુ રિમાન્ડ જરૂરી જણાતા એટીએસ દ્વારા દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને અદાલતે આ ત્રણ આરોપીઓના તારીખ 16 મી સુધીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય સાત આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.