ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી વેદાન્તા કંપનીમાં પરિવહન કોન્ટ્રાક્ટને બળજબરીપૂર્વક લેવા માટે દિલીપ ગોરીયા સહિતના 8 શખ્સોએ કંપનીના અધિકારીને કામ પર જતા માર્ગમાં અટકાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતા અને અત્રે જામનગર હાઈ-વે પર સ્થિત સેસા કોક ગુજરાત (વેદાન્તા) કંપનીમાં ચીફ ઓપરેટર ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિપ શ્રીકાંત પાઈ (મુળ રહે. કર્ણાટક, ઉ.વ. 46) તા.23 મી ના રોજ સવારે તેમના કામ પર અન્ય સાથી કર્મચારીઓ સાથે ખાનગી ઈનોવા કારમાં જઈ રહ્યા હતા, ત્યારે હાઈવે પર એનઆરઈની ગોલાઈ પાસે આ કર્મચારીઓને ખંભાળિયાના દિલીપ ગોરીયા તથા સતુભા અને મહેન્દ્રસિંહ નામના ત્રણ શખ્સો ઉપરાંત અન્ય પાંચ અજાણ્યા શખ્સોએ ફરિયાદી અધિપ શ્રીકાંતની ગાડી અટકાવી હતી. આ શખ્સોએ ગાડીની ચાવી કાઢી અને બળજબરીપૂર્વક કર્મચારીઓને ખેંચીને બહાર કાઢ્યા હતા. બાદમાં દિલીપ ગોરીયા, સતુભા તથા મહેન્દ્રસિંહ સહિતના શખ્સોએ બિભત્સ ગાળો કાઢીને ‘તમને કંપનીમાં જવાની ના કહેલ છે, તો પણ તમે કંપનીમાં કેમ જાવ છો?’- તેમ કહ્યું હતું.
કંપનીમાં કોલસાના પરિવહનનો કોન્ટ્રાકટ બળજબરીપૂર્વક મેળવવા માટે કરવામાં આવેલા આ કૃત્ય સામે ફરિયાદી અધિ શ્રીકાંતએ પોતે આ કોન્ટ્રાકટ આપવા અસમર્થ હોવાનું જણાવતાં આરોપી શખ્સોએ – ‘કંપનીમાં અમોને કોન્ટ્રાકટ નહીં આપો ત્યાં સુધી તમારે કંપનીમાં જવાનું નથી અને જો કંપનીમાં ગયા તો જીવતા નહીં રહો’ તેવી ધમકી આપી, ત્યાંથી કારમાં ચાલ્યા ગયા હતા. આ બનાવની જાણ કંપની કર્મચારી દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરાયા બાદ આ અંગેની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે જેના અનુસંધાને ખંભાળિયા પોલીસે દિલીપ ગોરીયા, સતુભા, મહેન્દ્રસિંહ જેઠવા તથા અન્ય પાંચ અજાણ્યા શખ્સો સહિત 8 શખ્સો સામે ગેરકાયદેસર મંડળી રચી ધમકી આપવા સબબ આઈપીસી કલમ 143, 147, 323, 341, 342, 504, 506(2) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.