જામનગર શહેરમાં જોગસ પાર્ક વિસ્તારમાં આવેલી બેંકમાં પિતાની લોન કલોઝ માટેની એનઓસી મેળવવા માટે ઓપરેશન મેનેજર તથા સીકયોરિટી ગાર્ડ સાથે માતા અને પુત્રએ ઉગ્ર બોલાચાલી કરી સિકયોરીટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના જોગસ પાર્ક વિસ્તારમાં જયદેવ આર્કેટમાં આવેલી યશ બેંકમાં ગઈકાલે સાંજના સમયે રૂત્વિક સામત પરમાર અને તેની માતા ગીતાબેત સામત પરમાર નામના માતા-પુત્ર બેંકમાં લોન કલોઝ માટેની એનઓસી માટે આવ્યા હતાં અને બેંકના ઓપરેશન મેનેજર જયેશભાઈ જોશી સાથે વાતચીત કરી હતી. પરંતુ, મેનેજરે તમારા પિતાની લોન ચાલુ છે અને તેમનું પેમેન્ટ બાકી છે જેથી આ પેમેન્ટ ભરી દયો પછી એનઓસી આપી દઇશું તેમ જણાવ્યું હતું. જેથી ઋત્વિક અને તેની માતાએ ઓપરેશન મેનેજર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જેથી અવાજ સાંભળીને મહાવીરસિંહ જભા ઝાલા આવી પહોંચ્યા હતાં અને તેમણે પણ માતા-પુત્રને શાંતિથી વાતચીત કરવાનું જણાવતા ઉશ્કેરાયેલા માતા-પુત્રએ સિકયોરીટી ગાર્ડ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. તેમજ સિકયોરિટી ગાર્ડને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ માતા-પુત્રએ ઓપરેશન મેનેજર જયેશભાઈ અને સિકયોરીટી ગાર્ડ મહાવીરસિંહને તમે બન્ને બહાર આવો જોઇ લઇશ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.
ઓપરેશન મેનેજર અને સિકયોરિટી ગાર્ડ સાથે બોલાચાલી અને માર માર્યાના બનાવ અંગેની જયેશભાઈ દ્વારા જાણ કરવામાં આવતા સિટી બી ડીવઝનના એએસઆઇ એ.બી. ચાવડા તથા સ્ટાફે માતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.