જામનગર જિલ્લાના મહત્વના મનાતા અને મોરબીની સરહદે આવેલ જોડિયા તાલુકામાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાના અને જોડિયા ગામ સહિત સમગ્ર તાલુકાના હજારો નાગરિકો ભગવાન ભરોસે હોવાના સમાચાર મળે છે. જોડિયા તાલુકાના વિશાળ વિસ્તાર માટે જોડિયા ગામ ખાતે માત્ર એક ડોક્ટર સાથેની માત્ર એક નાનકડી રેફરલ હોસ્પિટલ છે. જેમાં કોરોનાની અતિ ગંભીર મહામારીને પહોંચી વળવા કોઈ જ પર્યાપ્ત તબીબી કે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નહિ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. કોઈ લોકનેતાએ પણ સરકારમાં આ અંગે અસરકારક રજુઆત કર્યાનું જાણવા નથી મળતું.
જોડિયા ગામની વસતિ જ તેર હજારથી વધારે હોવા છતાં રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરી તબીબો અને નર્સિંગ સ્ટાફની સંખ્યા વધારી કોરોનાની સારવાર માટે ઓક્સિજન, વેન્ટિલેટર્સ, ટેસ્ટિંગની પર્યાપ્ત સુવિધા કે દવાઓની વ્યવસ્થા કરવા કોઈ જ પગલાં લેવાયા નથી.
મોરબી જોડિયા તાલુકાને અડીને જ આવેલું છે. જોડિયાના ઘણાં લોકો કામધંધા માટે મોરબી, સુરત વગેરે સ્થળોએ સ્થળાંતર કરી ગયા હોવાથી મોરબી-સુરતમાં કોરોના વિસ્ફોટ થતાં જોડિયા વાળા સૌ ત્યાંથી (કોરોના સાથે લઈ) જોડિયા દોડી આવ્યા છે અને તેના કારણે છેલ્લા કેટલાંક દિવસોથી જોડિયા અને તાલુકાના ગામડાઓમાં કોરોના ઝડપભેર આગળ વધી રહ્યો છે.
ચિંતાજનક વાત એ છે કે આવી સ્થિતિ છતાં સરકારી હોસ્પિટલમાં કોઈ સુવિધા નથી કે કોરોના રોકવા કોઈ નોંધપાત્ર પગલાં લેવાતા નથી. કોરોનાનો કોઈ ઉપચાર કે લેબ ન હોવાથી જોડિયા કે ગામડાઓના લોકોને સંક્રમણ થતાં અનેક લોકો ટેસ્ટિંગ કે સારવાર માટે જામનગર, રાજકોટ કે છેવટે ધ્રોલ તરફ દોડે છે. જોડિયાના પૂર્વ સરપંચ અને સામાજિક કાર્યકર અશોકભાઈ વર્માએ જોડિયા ગામ અને તાલુકામાં ઉભી થયેલ ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવેલ કે જામનગર શહેરમાં કોરોના સંબંધી અતિ સુંદર કાર્યવાહી કરી બતાવનાર જિલ્લા કલેક્ટર રવિશંકરે યુધ્ધના ધોરણે અમારા વિસ્તારમાં તબીબી અને આરોગ્યલક્ષી પગલાંનું વિશ્લેષણ કરી સરકારી સુવિધાઓ ઉભી કરવી પડશે.જોડિયામાં તમામ આધુનિક સુવિધાઓ, નિષ્ણાંત ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ, ટેસ્ટિંગ લેબ, ઓક્સજન-વેન્ટિલેટર સાથે 50 બેડની સગવડ રેફલરમાં ઉભી કરવા પણ અશોક વર્માએ માંગણી કરી છે.
અમે જોડિયા તાલુકાનું પ્રતિનિધિ મંડળ લઈ કલેક્ટર ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ વગેરે સમક્ષ રજુઆત કરવા જવાના છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.