જામનગરનું નગરસીમ વીજતંત્ર રામભરોસે ચાલતું હોય 100થી વધુ ઉદ્યોગકારો તથા 3000થી વધુ કારીગરો લાંબા સમયથી પરેશાન છે. આક્રોશને કારણે કારીગરોએ ગઇકાલે ગુરૂવારે વીજકચેરીને તાળાબંધી કરી હતી.
જામનગરના નગરસીમ વીજતંત્ર હેઠળના કનસુમરા વિસ્તારમાં પ્રાઇવેટ ઉદ્યોગનગર આવેલ છે. જ્યાં વીજતંત્ર દ્વારા ઓરિએન્ટલના નામે ઓળખાતું ફીડર બનાવવામાં આવ્યું છે પરંતુ આ ફીડર હેઠળના ઘણાં બધાં વિસ્તારોમાં દોઢ વર્ષથી વીજધાંધિયા છે. આ ફીડર અવારનવાર બંધ રહે છે. વીજપૂરવઠો ખોરવાઇ જવાને કારણે 100 થી વધુ બ્રાસપાર્ટનાં કારખાનાઓ ઠપ્પ થઇ જાય છે જેના કારણે 3000થી વધુ કારીગરો રોજી ગુમાવે છે.
કારખાનેદારોએ આ કાયમી સમસ્યા અંગે વીજઅધિકારીઓને અવારનવાર રજૂઆતો કર્યા પછી પણ વીજતંત્રની કામગીરીમાં સુધારો થવા પામ્યો ન હોય ઉદ્યોગકારોમાં રોષ છે.
ગઇકાલે ગુરૂવારે આ વિસ્તારના સંખ્યાબંધ ઉદ્યોગકારો-કારીગરો નગરસીમ પેટાવિભાગ વીજકચેરીએ ધસી ગયા હતાં અને કચેરીમાં કોઇ જવાબદાર અધિકારી ન હોવાને કારણે રોષે ભરાયેલા કારીગરોએ વીજકચેરીને તાળાબંધી કરી નારાજગી વ્યકત કરી હતી.
આ વીજકચેરીનો સ્ટાફ ઉદ્યોગકારોના ફોન પણ રિસિવ કરતો નથી અથવા ઉડાઉ જવાબો આપે છે. વારંવાર વીજપૂરવઠામાં વિક્ષેપ થવાથી આ વિસ્તારના કારખાનાઓ અવારનવાર બંધ કરવા પડે છે જેના કારણે હજારો કારીગરોની રોજી બંધ થઇ જાય છે અને ઉત્પાદન ઠપ્પ થવાથી સરકારને પણ વેરાઓની આવક ગુમાવવી પડે છે.
નવાઇની વાત એ છે કે, આ સમસ્યા લાંબાસમયથી હોવા છતાં વીજતંત્રના ‘સાહેબો’ આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી શકતાં નથી !