જામનગર તાલુકાના નેવી મોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી મહિલાને પતિ સાથે થયેલી બોલાચાલીનું લાગી આવતા તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, દાહોદ જિલ્લાના પાંચવાડા ગામના વતની અને જામનગર તાલુકાના નેવી મોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી મનિષાબેન સંજયભાઈ નિનામા (ઉ.વ.23) નામની આદિવાસી મહિલાને તેણીના પતિ સંજય સાથે જમવાનું બનાવવાની બાબતે બોલાચાલી અને ઝઘડો થયા હતાં. આ ઝઘડાનું લાગી આવતા મહિલાએ સોમવારે સાંજના સમયે ખેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સંદિપભાઇ ભુરીયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.