જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સાંઈબાબા મંદિર નજીક તસ્કરોએ ખાતર પાડતા રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ સહિત કુલ રૂા.3,00,000 ના મુદ્દામાલની ચોરી કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. સીટી એ ડીવીઝન દ્વારા આ અંગે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સાંઈબાબા મંદિર નજીક આવેલ આલાપ એવન્યુ બ્લોક નં.23/04 માં ગત તા.19 જૂનના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ઘરના દરવાજાનો લોક તોડી ઘરના નીચેના રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રહેલ લોખંડના કબાટનો લોક તોડી તેમાં રહેલ રૂા.50 હજારની કિંમતનો બે તોલાનો પેંડલ સાથેનો સોનાનો ચેઈન, રૂા.50 હજારની કિંમતનું બે તોલાનું સોનાનું મંગળસૂત્ર, રૂા.50 હજારની કિંમતની પાંચ-પાંચ ગ્રામની ચાર નંગ સોનાની વીંટી, રૂા.50 હજારની કિંમતની ચેકસવાળી બે તોલાની સોનાની લકી, રૂા.50 હજારની કિંમતની બે તોલાની બે નંગ સોનાની બંગડી તથા રૂા.50 હજારની રોકડ સહિત કુલ રૂા.3 લાખનો મુદ્દામાલ ચોરી કરી નાશી ગયા હતાં. આ અંગે જયશ્રીબેન પતંજલિભાઈ ભટ્ટ દ્વારા પોલીસને જાણ કરાતા પીએસઆઇ બી.એસ.વાળા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.