જામનગર શહેરમાં છેલ્લાં થોડા સમયથી તસ્કરોનો તરખાટ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરની ગ્રેઇન માર્કેટમાં આવેલ નામાંકિત પેઢીમાં ગત રાત્રિના તસ્કરો ત્રાટકયા હતાં અને દુકાનમાંથી ખાંડનો જથ્થો અને ડીવીઆર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી તસ્કરોનો તરખાટ શરૂ થઈ ગયો છે. શહેર અને જિલ્લામાં બંધ રહેલા મકાનોને તસ્કરોઅ એક પછી એક નિશાન બનાવતા જાય છે. વધતા જતા ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં જ જામનગર શહેરમાં એક સાથે ત્રણ-ચાર સ્થળોએ ચોરીની ઘટના બની હતી. ત્યારબાદ ગતરાત્રિના સમયે શહેરની ગ્રેઇન માર્કેટમાં આવેલી નામાંકિત પેઢી રમણિલાલ દામોદર નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને દુકાનમાંથી ખાંડ અને ડીવીઆર ચોરી કરી ગયા હતાં. આજે સવારે ચોરીની જાણ વેપારી દ્વારા કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.