જામનગર શહેરના નવાગામઘેડ વિસ્તારમાં આવેલા મધુરમ રેસિડેન્સીમાં રહેતા જીઆરડીના જવાનના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને તાળા તોડી પ્રવેશ કરી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 3,54,100ની માલમત્તા ચોરી કરી ગયા હતાં.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ રેસિડેન્સીમાં રહેતા હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા નામના જીઆરડી જવાનના બંધ મકાનમાં ગત તા. 9ના રોજ બપોરના 1થી 2 વાગ્યા સુધીના એક કલાક દરમિયાન અજાણ્યા જાણભેદુ તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ ચાવી વડે ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રુમના કબાટમાંથી રૂા. 30000ની રોકડ રકમ અને રૂા. 3,23,100ની કિંમતના સોનાના દાગીના સહિત કુલ રૂા. 3,53,100ની કિંમતની માલમત્તા ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ જવાન દ્વારા કરવામાં આવતાં પીએસઆઇ ઝેડ.એમ. મલેક તથા સ્ટાફે બનાવ સ્થળે પહોંચી જઇ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા ગુના શોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી અને જવાનના નિવેદનના આધારે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.