જામનગર શહેરમાં વિભાજી સ્કૂલ પાસે ચોરાઉ મોબાઇલ વેચવાની પેરવી કરી રહેલા તસ્કર ત્રિપૂટીને સીટી-એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ રૂા. 40 હજારની કિંમતના સાત મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં વિભાજી સ્કૂલ પાસે તસ્કર ત્રિપૂટી મોબાઇલ ફોન વેચવાની પેરવી કરતાં હોવાની હેકો રવિરાજસિંહ જાડેજા, પોકો વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ. વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, વિજય કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ અને હિતેશ સાગઠીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન પોલીસે મળેલી બાતમી મુજબના અજય ઉર્ફે ટીકુડો મુકેશ પરમાર, પિન્ટુ મુકેશ પરમાર, ઉદલ કનૈયા પરમાર નામના ત્રણ તસ્કરોને ઝડપી લઇ તેમની તલાસી લેતાં કબજામાંથી રૂા. 40000ની કિંમતના જુદી જુદી કંપનીના સાત મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે શક પડતી મિલકત તરીકે કબજે કરી પૂછપરછ હાથ ધરતાં આ સાત મોબાઇલ પૈકીનો રેડમી કંપનીનો રૂા. 8 હજારની કિંમતનો મોબાઇલ ચોરીની ફરિયાદ સીટી-સીમાં નોંધાઇ હતી. જેના આધારે પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી હતી.