જામનગર તાલુકાના ગોરધનપર ગામની બાજુના વિસ્તારમાં રહેતાં યુવાને ઉછીના લીધેલા રૂપિયા પરત આપી ન શકતા શખ્સે યુવાનના ઘરના તાળા તોડી ટીવી, ફોન,ફ્રીજ, વોશીંગ મશીનમાં નુકસાન કરી સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ગોરધનપરમાં આવેલા ગોરધન ગ્રીન સોસાયટીમાં બ્લોક નંબર-26/09 માં રહેતાં હિતેશભાઇ નાનજીભાઈ પિત્રોડા નામના યુવાને બે માસ પહેલાં જામનગરના અનિરૂધ્ધસિંહ પરમાર પાસેથી 20 હજાર ઉછીના લીધા હતાં જે રકમની ઉઘરાણી માટે અનિરૂધ્ધસિંહ દ્વારા હિતેશભાઈ અને તેની પત્નીને વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હતાં પરંતુ રૂપિયા ન હોવાથી આપી શકયા ન હતાં. દરમિયાન અનિરૂધ્ધસિંહ દ્વારા દંપતીને ફોન પર ગાળો આપી હતી. ત્યારબાદ ગત તા.5 ના રોજ રાત્રિના સમયે અનિરૂધ્ધસિંહ પરમાર દ્વારા યુવાનના ઘરે જઇ દરવાજાના તાળા તોડી ઘરમાં રહેલ ટીવી, ફોન, ફ્રીજ, વોશીનમશીન અને પ્લાસ્ટિકની બે ખુરશીઓમાં તોડફોડ કરી નુકસાન કરી નાખ્યું હતું. તેમજ ઘરમાં બંગાળી બોકસમાં રાખેલી રૂા.41,500 ની કિંમતનો 12.310 ગ્રામનો સોનાનો ચેઈન અને રૂા.8000 ની કિંમતનું સોનાનું પેન્ડલ તથા 6000 ની કિંમતના ચાંદીના સાંકળા મળી કુલ રૂા.55,000 ની કિંમતના દાગીના ચોરી કરી ગયો હતો.
આ બનાવ અંગે યુવાનની પત્ની સાક્ષીબેન પિત્રોડા દ્વારા ઉછીના પૈસા માટે ઘરમાંથી ચોરી કરાયાની જાણ કરાતા પીઆઇ વી. બી. ચૌધરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.