ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેવામાં દર્દીઓ ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ અને જરૂરી દવાઓ સહીત અનેક વસ્તુઓની અછતના પરિણામે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે દ્રારકા જીલ્લાના ખંભાળીયાના બે યુવકોએ દેશી જુગાડ દ્રારા ઓક્સિજનના બાટલાના ફલોમીટર બનાવી અનેક દર્દીઓની મદદ કરી રહ્યા છે.
ઓક્સિજન માટે આવશ્યક ફ્લોમીટરની અછત છે, આવા સંજોગોમાં દેશી પદ્ધતિથી આ આવશ્યક ઉપકરણ બનાવી શકાય તે માટે એક ઇલેકટ્રોનીકસની દુકાન ધરાવતાં અને મીટરની જાણકારી ધરાવતાં જેસાભાઇ પીંડારીયા અને તેના ભાઇબંધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુની ફોટ સબ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતાં જયેશભાઇ પીંડારીયાએ બીડું ઝડપ્યું. સગા સંબંધી / દર્દીઓની ઓક્સિજન ફ્લોમીટરની સતત પુછપરછ આવતાં બન્ને મિત્રોએ કંઇક સંશોધન કરીને આ મુશ્કેલી હલ કરવા લાગી પડયા. જો આમાં સફળતા મળે તો કેટલાંયે દર્દીઓને નવજીવન મળી શકે. એમ વિચારી પોતાની દુકાનનો કામ ધંધો છોડી સંશોધન શરૂ કર્યું.
આ બંને મિત્રોએ અત્યાર સુધીમાં 15 ફલોમીટર બનાવી દર્દીઓને વિનામૂલ્યે આપ્યા છે. અને વધુ 50 દર્દીઓની નોંધણી થઇ જતાં તેઓ આ દેશી ઓક્સિજન ફ્લોમીટર બનાવવાની તૈયારીમાં લાગી પડયા છે.ફ્લોમીટર અત્યારે બજારમાં સાતથી આઠ હજારમાં મળે છે. આ બંને મિત્રોએ પાણીની બોટલ, આર.ઓ. કનેકટર, ઓક્સિજનના યુનીયન મીટર દ્વારા ઓક્સિજન કન્ટ્રોલ કરી ઓક્સિજન ફ્લોમીટરની અવેજીમાં ઉપકરણ બનાવ્યું હતું. આવા 15 ઉપકરણ બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફ્લોમીટર (દેશી) બનાવી દર્દીઓને આપવામાં આવ્યા હતા. અને તે સારી રીતે કામ કરતાં હવે બીજા વધુ 50 જેટલાં ફ્લોમીટર (દેશી) બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફ્રીમાં આપવામાં આવશે.