નોટબંધી પછી બેંક લોકરો પર પણ સર્જીકલ સ્ટ્રાઈક થવાની અફવા ઉભી થઇ હતી જો કે તેવું કાંઇ બન્યું ન હતું. હવે કેન્દ્ર સરકારે 1લી જાન્યુઆરીથી બેંક લોકર સંબંધી નિયમોમાં મહત્વના બદલાવ જાહેર કર્યા છે અને તેની પાછળનો ઉદ્દેશ ગ્રાહકોનું હિત જાળવવાનો છે.
રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા નિયમ-સુધારા અંતર્ગત બેંકો લોકર કરારમાં કોઇ અનુચિત નિયમ કે શરતો દાખલ નહીં કરે શકે. 1લી જાન્યુઆરીથી બેંકોએ ગ્રાહકો સાથે નવા કરાર કરવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકર મેળવવા માટે ગ્રાહકે બેંકો સાથે કરાર કરવાનો હોય છે અને ત્યારબાદ જ લોકરની ફાળવણી થતી હોય છે. બંને પક્ષોની સહી બાદ નિયત ભાડા અને અધિકારો તથા જવાબદારી સાથે લોકર ઇસ્યુ કરવામાં આવે છે. કરારનો મુળ દસ્તાવેજ બેંકો જ રાખતી હોય છે. બેંક મહત્તમ 3 વર્ષનું ભાડુ એકસાથે લઇ શકે છે. નવા વર્ષથી બદલનારા નિયમો વિશે સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક જેવી બેંકોએ ગ્રાહકોને મેસેજ આપવાનું શરુ કરી દીધું છે. સ્ટેટ બેંકનાં કહેવા પ્રમાણે બેંક લોકરનું ભાડુ તેની સાઇઝ આધારિત રુપિયા 500થી 3000 સુધીનું છે. મોટા શહેરોમાં તે 12,000 સુધીનું હોય છે. નવા નિયમ હેઠળ બેંક લોકરમાંથી માલસામાનની ચોરી થાય અથવા કોઇપણ કારણોસર નુકશાન થાય તો તેની જવાબદારી બેંકની બનશે અને નુકશાની ભરપાઈ કરવી પડશે. આ ઉપરાંત લોકરધારક દ્વારા કોઇને નોમીની બનાવવામાં આવે તો તેને સંચાલનની છૂટ આપવી પડશે.
નિયમમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે કુદરતી આફતમાં લોકરના સામાનને નુકશાન થાય તો તેમાં બેંકની જવાબદારી નહીં બને.આ જ રીતે ગ્રાહકની ભૂલના કારણે કોઇ નુકશાન થાય તો પણ બેંકની જવાબદારી નહીં બને. ગ્રાહક દ્વારા બેંક લોકર ખોલવામાં આવ્યું હોય તો તે વિશે પણ બેંકોએ એસએમએસ અને ઇમેઇલ મારફત મેસેજ કરવાનો રહેશે.