લાલપુર તાલુકાના સણોસરા ગામમાં પ્લોટના ઉપયોગ કરવા બાબતે સમાધાન માટે ભેગા થયેલા બે ભાઈઓના પરિવાર વચ્ચે મામલો બિચકતા સામસામા લાકડાના ધોકા, કુહાડા અને પાવડા વડે આડેધડ ઘા મારી, સામસામા હુમલા કર્યાના બનાવમાં ત્રણથી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
હુમલાના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સણોસરા ગામના વતની અને હાલ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પુનિતનગર વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા ભીખાભાઈ પરબતભાઈ ગાગલિયા નામના વૃદ્ધનો સણોસરા ગામમાં આવેલા પ્લોટનો ઉપયોગ તેનો ભાઈ વિરા પરબત ગાગલિયા તથા તેના પરિવારજનો કરતા હોય જે બાબતે સમજાવીને સમાધાન કરવા માટે ભીખાભાઈને તથા તેના પરિવારજનોને શુક્રવારે સવારે સણોસરા ગામમાં બોલાવ્યા હતાં ત્યારે મામલો બીચકતા પ્લોટ ‘તારા બાપનો નથી’ તેમ કહી વીરા પરબત ગાગલિયા, રણમલ ઉર્ફે રમેશ વીરા ગાગલિયા, ભરત ઉર્ફે ભયો વીરા ગાગલિયા નામના ત્રણ શખ્સોએ ભીખા ગાગલિયા નામના વૃધ્ધ ઉપર તથા તેના પરિવારજન ઉપર હોકી જેવા લાકડાના હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં હમીરભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ભીખાભાઇ તથા સામતભાઈને લાકડાના ધોકા વડે અને કુહાડા વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
સામાપક્ષે પ્લોટનો ઉપયોગ કરવા બાબતનો ખાર રાખી ભીખાભાઈ પરબતભાઈ ગાગલિયા, ચેતન ગોવિંદ ગાગલિયા, સામત નાથા ગાગલિયા અને હમીર નાથા ગાગલિયા નામના ચાર શખ્સોએ લાકડાના ધોકા અને કુહાડી તથા પાવડા વડે વળતો હુમલો કરતા વીરાભાઈ, ભરતભાઈ, રણમલભાઈને ઈજા પહોંચી હતી. બંને ભાઈઓ દ્વારા પ્લોટના ઉપયોગ બાબતે કરાયેલા સામસામા હુમલામાં છ જેટલા લોકો ઘવાયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી જઇ ભીખાભાઇ ગાગલિયાના નિવેદનના આધારે વીરા પરબત ગાગલિયા, રણમલ વીરા ગાગલિયા અને ભરત ઉર્ફે ભયો વીરા ગાગલિયા નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ તથા સામાપક્ષે વીરા પરબત ગાગલિયાના નિવેદનના આધારે ભીખા પરબત ગાગલિયા, ચેતન ઉર્ફે ગોવિંદ ભીખા ગાગલિયા, સામત નાથા ગાગલિયા, હમીર નાથા ગાગલિયા નામના ચાર શખ્સો વિરૂધ્ધ સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી.