કલાઈમેટ ચેન્જનો પ્રભાવ હોય તેમ દેશમાં શિયાળાની વિદાય વહેલી અને ઉનાળાની ગરમી આકરી બની ગઈ છે ત્યારે આવનારા મહિનાઓમાં દેશમાં વિજસંકટ સર્જાવાનો ખતરો પેદા થયો છે.આ સિવાય પાણીની સ્થિતિ પણ મુશ્કેલી સર્જે તેવી ભીતિ છે. દેશમાં સામાન્ય રીતે મધ્ય માર્ચ પછી ઉનાળાનો પરચો શરૂ થતો હોય છે તેના બદલે મધ્ય ફેબ્રુઆરીથી જ તાપમાન સર્વોચ્ચ સ્તરે પહોંચવા લાગ્યુ હોવાથી વિજ ડીમાંડ અત્યારથી જ રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગઈ છે. સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે જાન્યુઆરી મહિનામાં જ વિજળીની ડીમાંડ 211 મે.વો.પર નોંધાય હતી. જે ગત વર્ષનો સર્વોચ્ચ સ્તરની નજીક હતી.
છેલ્લા એક અઠવાડીયામાં દેશના અનેક ભાગોમાં તાપમાન નોર્મલ કરતા 11 ડીગ્રી જેટલુ ઉંચુ નોંધાયુ હતું અને તેને પગલે હવામાન વિભાગને કૃષિપેદાશોની જાળવણી વધારવા સૂચના આપવી પડી હતી. ઉનાળા પૂર્વેનું જ આકરૂ તાપમાન અસામાન્ય ગણવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસો હજુ પડકારજનક બનવાની આશંકાને પગલે વિજ ડીમાંડમાં મોટો વધારો થવાની ગણતરી મુકવામાં આવી રહી છે.આકરા તાપના કારણે ખેડુતોને અત્યારથી જ સિંચાઈ વ્યવસ્થા માટે વધુ વિજળીની જરૂર ઉભી થવા લાગી છે.ઉપરાંત શહેરો અને ગામોમાં પણ એરક્ધડીશન્ડ ઉપકરણોનો વપરાશ વધી ગયો છે.
આ સંજોગોમાં આવનારા મહિનાઓમાં વિજ માળખા પર દબાણ સર્જાવાની ભીતિ છે.છેલ્લા બે વર્ષ દરમ્યાન પણ મોટી વીજ ડીમાંડને પગલે વિજ સંકટ સર્જાયુ હતું અને અનેક ક્ષેત્રમાં વિજ પૂરવઠામાં કાપ મુકવાનો વખત આવ્યો હતો. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયનાં રીપોર્ટ પ્રમાણે આગામી એપ્રિલ મહિનામાં વીજ ડીમાંડ 229 ગીગાવોટનાં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.સુત્રોના કહેવા પ્રમાણે તાપમાનમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે અસામાન્ય છે રાજસ્થાન જેવા રાજયોમાં તો અત્યારથી જ વિજ કાપની પરિસ્થિતિ ઉભી થઈ છે.ગત વર્ષની સરખામણીએ આ વખતે વીજ ડીમાંડમાં 20 થી 30 ટકાનો વધારો થવાનું અનુમાન છે અને તેને પહોંચી વળવા માટે વીજ કાપ લાદવા સિવાય કોઈ વિકલ્પ નથી.
દેશનાં સૌથી ગરમ રાજયમાં રાજસ્થાનનો સમાવેશ થાય છે. જયાં સૌર ઉર્જાનું પણ મોટુ ઉત્પાદન થતુ હોવા છતા વીજ સમસ્યા કાયમી છે. કોલસા આધારીત વિજ ઉત્પાદનનો હિસ્સો ભારતમાં 70 ટકા ગણવામાં આવે છે.વિજ સ્ટેશનોએ કોલસાનો સ્ટોક 4.5 કરોડ ટનના ટાર્ગેટ કરતા ઓછો છે. ભારતીય હવામાન વિભાગનાં વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતુંકે વર્તમાન અસામાન્ય ગરમી માર્ચથી મે મહિના દરમ્યાન પણ ચાલુ રહે તે જરૂરી નથી.ફેબ્રુઆરીમાં અત્યાર જેવી ગરમી પડે તેનાથી લોકોને આશ્ર્ચર્ય થાય તે સ્વાભાવિક છે.