જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં મેર યુવાનના મકાનની બારી તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કરી લાકડાના કબાટમાંથી સોનાની વીંટી અને ચાંદીના દાગીના તથા ત્રણ સાદા મોબાઇલ સહિત રૂા.69,500ની સામાન ચોરી કરી ગયાના બનાવમા પોલીસે તપાસ આરંભી હતી.

જિલ્લામાં વધતા જતાં ચોરીના બનાવોમાં જામનગર શહેરમાં બે દિવસમાં ચાર સ્થળોએ ચોરી થઈ હતી તેમજ જામજોધપુર તાલુકાના વાંસજાળિયામાં બેંક ઓફ ઈન્ડીયાની બાજુમાં રહેતાં અને ડ્રાઇવિંગ કરતા ભીખુભાઈ ગાંગાભાઈ ઓડેદરા નામના મેર યુવાનનું મકાન 9 દિવસ બંધ રહ્યું હતું. ત્યારે તે સમયમાં અજાણ્યા તસ્કરોએ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલા લાકડાના કબાટના લોક તોડી નાખ્યા હતાં અને આ લાકડાના કબાટમાં રાખેલી રૂા.30 હજારની કિંમતની તેની પત્નીની સોનાની એક તોલાની બુટી તથા રૂા.30 હજારની સોનાની એક વીંટી તેમજ રૂા.5 હજારની કિંમતના ચાંદીના ઝાંઝરા અને રૂા.1500 ની કિંમતના ત્રણ સાદા મોબાઇલ તથા રૂા. 3 હજારની ત્રણ નંગ ઘડિયાર, એક જોડી બુટ, એક જોડી કપડા, પાંચ જોડી ચશ્મા, એક કુહાડી, એક કાપડની થેલી સહિતનો રૂા.69,500 ની કિંમતના દાગીના અને ઘરવખરીની ચીજવસ્તુઓ ચોરી કરી ગયાની જાણ કરતાં પીએસઆઈ એ.બી. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ ગુનો નોંધી તપાસ આરંભી હતી.