જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેલી ખેતમજૂરની ઓરડીમાં મધ્યરાત્રિના ચાર કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ કપડાના થેલામાંથી રોકડ રકમ અને બે તોલાના સોનાના દાગીના તેમજ બે મોબાઇલ મળી કુલ રૂા.1 લાખની કિંમતની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આદરી છે.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામની સીમમાં રહેતાં મધ્યપ્રદેશના વતની અને ખેતમજૂરી કરતા દિપસિંગ કવરસિંગ બીલવાર નામના યુવાનની ઓરડીમાંથી ગત તા.22 ની મધ્યરાત્રિના 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીના ચાર કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઓરડીમાં ત્રાટકીને કપડાના થેલામાં રાખેલી રૂા.20 હજારની રોકડ રકમ, રૂા.71,550 ની કિંમતનો સોનાનો બે તોલાનો હાર અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.1,01,550 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગે દિપસિંગ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.