કાલાવડમાં અમીપીર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને મુખ્ય દરવાજાનો નકૂચો તોડી શેટીપલંગમાં સંતાડેલી રૂા.3.64 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિતની માલમતાની ચોરી કરી ગયાની ઘટનામાં પોલીસે એફએસએલ અને ગુનાશોધક શ્વાનની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં આવેલા અમીપીર પાર્ક સોસાયટી વિસ્તારમાં દરગાહ પાછળ રહેતા અને લોન્ડ્રીનો વ્યવસાય કરતા ફારુક હબીબ સમાણી નામના યુવાન તેમના પરિવાર સાથે બહારગામ ગયા હતાં તે દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશી કરી રૂમમાં રહેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને ઉપરના માળે આવેલા રૂમમાં રહેલા શેટીપલંગમાં રાખેલા રૂા.3,64,000 રોકડા અને રૂા.20 હજારની કિંમતની 7 ગ્રામની સોનાની બુંટીની જોડ તેમજ રૂા.3 હજારની કિંમતની ચાંદીના સાંકળા તથા ખોટા ડાયમંડનો સેટ અને યુવાનનું એકિસસ બેંકનું એટીએમ અને ક્રેડીટ કાર્ડ તથા પાન કાર્ડ સહિતના રૂા. 3,87,000 ની માલમતાની ચોરી કરી લઇ ગયા હતાં.
દરમિયાન બહારગામથી પરત ફરેલા ફારુકભાઈના ઘરમાં ચોરી થયાનું જણાતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઇ યુ.એચ. વસાવા તથા સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
કાલાવડમાં મકાનના તાળા તોડી લાખોની માલમતાની ચોરી
બહારગામ ગયેલા પરિવારના મકાનમાંથી રૂા.3.87 લાખની ચોરી : એટીએમ અને ક્રેડિટ કાર્ડ તથા પાન કાર્ડ પણ તસ્કરો લઇ ગયા : ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ દ્વારા પોલીસ તપાસ