દ્વારકામાં ઓખા જામનગર રોડ પર આવેલ હાઈવે પર આવેલી એક નામાંકિત હોટલમાં પ્રવાસીની ગેરહાજરીમાં હોટલ રૂમમાંથી લાખો રૂપિયાની માલમત્તા ચોરવા અંગે દ્વારકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ વૈષ્ણોદેવી – જમ્મુ ખાતે નેહાબેન સુભાષભાઈ સૈની નામના 38 વર્ષના મહિલા ગત તા.7 ફેબ્રુઆરીના દ્વારકામાં આવેલી એક જાણીતી હોટલમાં રૂમ નં. 202 માં રોકાયા હતા. તેઓ તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે બેટ દ્વારકા તેમજ નાગેશ્વર ફરવા ગયા હતા. રાત્રે આઠ વાગ્યે તેઓ પોતાના રૂમ, દરમ્યાન તેમના રૂમની ચાવી તેમણે પોતાની સાથે રાખી હતી. પરત આવીને જોતા નેહાબેનને સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયેલા રૂમમાંથી તેમનો કેટલોક કિંમતી મુદ્દામાલ માલ ગુમ થયાનું જાણવા મળ્યું હતું.
આ બનાવ બનતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા તારીખ 9 ના રોજ સવારે 11 થી રાત્રિના 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હોટલના એક મહિલા સફાઈ કર્મચારી તથા અન્ય જવાબદાર મનાતી વ્યકિતઓએ નેહાબેનની મંજૂરી વગર માસ્ટર કી થી આ રૂમ ખોલીને આ રૂમમાં રહેલા તેમના પર્સમાં રહેલ રૂપિયા 1,10,900 ની કિંમતનો સોનાનો ચેન તેમજ લોકેટ, રૂ. 30,000 ની કિંમતની બે સોનાની બુટી તેમજ રૂપિયા 25,000 ની કિંમતની સોનાની બે વીંટી ઉપરાંત રૂપિયા 20,000 રોકડા મળી, કુલ રૂ. 1,86,180 ના મુદ્દામાલની ચોરી થવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરીયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધી, હોટલના સી.સી.ટી.વી. કેમેરાના આધારે આરોપી મહિલા કર્મચારી સહિતનાની જરૂરી પૂછતાછ સાથે તપાસ હાથ ધરી છે.