કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે તાજેતરમાં ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવેલી વિવિધ સ્ટ્રીટલાઇટો તથા બેટરી સહિતના મુદ્દામાલની ચોરી થવા સબબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે સાતેક કિલોમીટર દૂર આવેલા પટેલકા ગામે જુદા જુદા વિસ્તારોમાં ગ્રામ પંચાયત હસ્તક સ્ટ્રીટલાઇટના પોલ ઉપર જુદા જુદા સ્થળોએ લગાવવામાં આવેલી છ સ્ટ્રીટલાઇટ આશરે ચારેક દિવસ પહેલા કોઈ શખ્સો ચોરી કરીને લઇ ગયા હોવાનું ગ્રામ પંચાયત સત્તાવાળાઓના ધ્યાને આવ્યું હતું.
ઉપરોક્ત બનાવવા અંગે પટેલકા ગામના રહીશ પરબતભાઈ મેસુરભાઈ કંડોરિયાએ ત્રીસ હજારની કિંમતની છ નંગ ટ્યુબ લાઈટ ઉપરાંત રૂપિયા ચોવીસ હજારની કિંમતની બેટરી મળી કુલ રૂા. 54 હજારના મુદ્દામાલ ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.