જામનગર શહેરના નવાગામ ઘેડ આનંદ સોસાયટીમાં રહેતા સિકયુરિટી ચલાવતા યુવાનના રહેણાંક મકાનમાં ગુરૂવારે રાત્રિ દરમિયાન તસ્કરોએ ત્રાટકીને 131.3 તોલા સોનાના દાગીના અને 1.5 કિલો ચાંદીના દાગીના મળી કુલ રૂા.46,65,500 ની કિંમતના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી આનંદ સોસાયટીમાં રહેતા અને સિકયુરિટીનો વ્યવસ્યા કરતા આફતાબ મનોવર અલી શેખ નામના યુવાનના રહેણાંક મકાનમાં ગુરૂવારે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો મકાનની વંડી ટપીને ત્રાટકયા હતાં. પરિવારજનો ઉપરના માળે નિંદ્રાધિન હતાં ત્યારે તસ્કરોએ નીચે રહેલા રૂમના માળિયામાં દરવાજાનું તાળુ તોડી અંદર રાખેલી લાકડાની પેટીનો નકૂચો તોડી તેમાં રાખેલા રૂા.45,95,500 ની કિંમતના 131.3 તોલા સોનાના દાગીના અને રૂા.70 હજારની કિંમતના 1.5 કિલોના ચાંદીના દાગીના મળી કુલ રૂા.46,65,500 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાશી ગયા હતા. ત્યારબાદ વહેલીસવારે પરિવારજનો નિંદ્રામાં જાગ્યા ત્યારે ઘરમાં લાખોની કિંમતના દાગીના ચોરી થયાનું જણાયું હતું.
આ અંગે આફતાબભાઇ એ પોલીસમાં જાણ કરતા પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફ અને એલસીબી સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને માતબર રકમના દાગીનાની થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે એફએસએલ અને ગુનાશોધક શ્ર્વાનની પણ મદદ લીધી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં આટલી માતબર રકમના દાગીના ઘરમાં હોવાનું કોઇ જાણભેદુ દ્વારા જ ચોરી આચરી હોય તેથી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ આ વિસ્તારમાં સીસીટીવી અંગે તપાસ કરતા કેમેરા લાગેલા ન હોવાનું જણાતા પોલીસે આજુબાજુમાં રહેતાં લોકોની પૂછપરછ હાથ ધરી હતી અને સિકયોરિટીનો વ્યવસાય કરતા આફતાબભાઈને પૂછતાછ કરી હતી કેમ કે ચોરીમાં જાણભેદુની સંડોવણી હોવાની શકયતા નકારી શકાતી નથી. હાલ તો પોલીસે આ લાખોની કિંમતના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવા માટે કસરત કરવી પડશે તેવી પરિસ્થિતિ છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ 46,65,500 ની કિંમતના દાગીનાની ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
તેમજ પોલીસ તપાસ દરમિયાન આફતાબભાઈના માતા-પિતા મકાનમાં નીચેના માળે રહે છે પરંતુ હાલમાં જ તેમના માતાનું અવસાન થતા તેના પિતા બાજુમાં રહેતા જહાગીરભાઈના ઘરે પાંચ દિવસથી રોકાવા ગયા હતાં. તેથી નીચેના માળના દરવાજા બંધ હતાં અને આફતાબભાઈ અને તેમના પાંચ ભાઈઓનો સંયુકત પરિવાર છે. જેમાં એક ભાઈ સુરત રહે છે જ્યારે અન્ય બે ભાઈઓ કે તે નિવૃત્ત આર્મીમેન છે. સહિતના ચારેય ભાઈઓ આજુબાજુમાં જ રહે છે. પાંચેય ભાઈઓના પરિવારના સોના-ચાંદીના દાગીના માતા-પિતા વાળા રૂમના માળિયામાં રાખ્યા હતાં. જેમાંથી તસ્કરો ચોરી કરી ગયા હતાં.
સિકયુરિટી વ્યવસાયીના મકાનમાંથી 131.3 તોલાના સોનાના દાગીનાની ચોરી
ગુરૂવારે રાત્રિના તસ્કરો ત્રાટકયા : 131.3 તોલા સોનાના અને 1.5 કિલો ચાંદીના દાગીનાની ચોરી : લાકડાની પેટીનો નકૂચો તોડી તસ્કરો લાખોના દાગીના લઇ ગયા : એફએસએલ અને ગુનાશોધક શ્વાનની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા તપાસ


