જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોનો તરખાટ ચિંતાજનક રીતે વધી રહ્યો છે તેમાં પણ જાહેરમાર્ગો પરની દુકાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ઉપરાંત પ્રતિબંધિત એવા એરફોર્સ 1 વિસ્તારમાં 7 દિવસ બહારગામ ગયેલા કર્મચારીના બંધ મકાનમાંથી તાળા તોડી ચાંદીની બે પાટ અને સોનાના દાગીના સહિત કુલ રૂા. 1.30 લાખના દાગીના ચોરીમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોનો તરખાટ સતત વધતો જાય છે. હાલમાં જાહેર માર્ગો પરની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. તેમજ જામનગરમાં આવેલા પ્રતિબંધિત એવા એરફોર્સ 1 વિસ્તારમાં ઓલ્ડ પ્રોજેકટ લાઈન બ્લોક નં.470/3 માં રહેતાં અભય પ્રતાપસીંગ રવિન્દ્રનાથસિંગ (ઉ.વ.55) નામના કર્મચારી ગત તા.24 થી તા.31 સુધીના સમય દરમિયાન બહારગામ ગયા હતાં તે દરમિયાન તેના બંધ મકાનના તાળા અજાણ્યા તસ્કરોએ તોડીને ઘરમાં પ્રવેશ કરી સુટકેશ તથા બેગમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને બે નંગ ચાંદીની પાટ મળી કુલ રૂા.1.30 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ બહારગામથી પરત ફરેલા કર્મચારીએ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા મકાનમાંથી ચોરી થયાની જાણ કરાતા પીએસઆઈ એચ.એ. પીપરીયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ આરંભી ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે એરફોર્સના કર્મચારીના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં ચોરી કોઇ જાણ ભેદુએ કરી હોવાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.