જામનગર શહેરમાં દરબારગઢ પાસે આવેલા મોદીવાડમાં રહેતાં વેપારી પ્રૌઢના મકાનમાંથી તસ્કરોએ પાકીટમાં રાખેલી રોકડ અને કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ સહિત રૂા.45,300 ની માલમતાની ચોરી કરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જુદાં-જુદાં વિસ્તારોમાં રહેણાંક મકાનો તેમજ દુકાનોમાંથી ચોરીની વધતી જતી ઘટનાઓને કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દરમિયાન ગત તા.27 ના રોજ સવારના 6:30 થી 7 વાગ્યા સુધીના અડધી કલાકના સમય દરમિયાન જામનગરના દરબારગઢ પાછળ આવેલા મોદીવાડ વેજલાની ડેલીમાં રહેતા સૈફુદીનભાઈ મહમદઅલી ગીરનારી નામના પ્રૌઢ વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ વેપારીના પાકીટમાંથી રૂા.1800 ની તથા અન્ય વ્યકિતના ખીસ્સામાંથી રૂા.5000 ની મળી કુલ રૂા.6800 ની રોકડ રકમ અને કબાટમાંથી રાખેલી રૂા.20 હજારની સોનાની ચાર બંગડીઓ અને રૂા.10 હજારની કિંમતની સોનાની બે વીંટી તેમજ પાંચ હજારની સોનાની ચેઈન તેમજ રૂા.1 હજારની કિંમતનું સોનાનું રોકેટ તેમજ રૂા.500 ની કિંમતના ચાંદીના બે સીક્કા ઉપરાંત બે હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.45,300 ની કિંમતની માલમતા ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે સ્થળ પર જઈ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.