દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાની વેક્સીનના 1710 ડોઝની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. હરિયાણાના જિંદમાં આવેલ સરકારી હોસ્પિટલમાંથી વેકસીનના ડોઝની ચોરી થઇ છે. શખ્સોએ સીવીલ હોસ્પિટલના પીપીસી સેન્ટર માંથી વેક્સીનની ચોરી કરી છે. જેમાંથી કોવીડશિલ્ડના 1270 ડોઝ અને કોવેક્સીનના 440 ડોઝની ચોરી થઇ છે.
હરિયાણાના જિંદ જીલ્લામાંથી વેક્સીનના 1710 ડોઝની ચોરી થતાં અહીં વેકસીનના એક પણ ડોઝ બચ્યા નથી. ત્યારે એક તરફ અહીં કોરોના વાયરસના રોજે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલના રોજ હરિયાણામાં કોરોનાના 9623 નવા કેસ નોંધાયા હતા.જિંદ જીલ્લા ઉપરાંત જયપુરની સરકારી હોસ્પિટલમાંથી પણ કોરોનાની વેક્સીન ગાયબ થઇ હતી. તો એક તરફ રીમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે મધ્યપ્રદેશના ભોપાલમાં એક સરકારી હોસ્પિટલમાંથી 863 રીમડેસિવિરની શીશીની ચોરી થઇ હતી. આ સિવાય ઇન્દોરની પણ એક હોસ્પિટલમાંથી આ દવાની 133 શીશી ચોરાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમુક શખ્સોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
હાલ દેશભરમાં કોરોનાની મહામારી વચ્ચે તમામ જગ્યાએ બેડ ખૂટી પડ્યા છે, અમુક જગ્યાઓ પર કોરોના ટેસ્ટીંગ કીટ પણ હાજર નથી હોતી. અને વેક્સીન તેમજ રીમડેસિવિરની અછત વચ્ચે અમુક શખ્સો ઇન્જેક્શન અને વેક્સીનના ડોઝની ચોરી કરી રહ્યા છે.