Friday, December 5, 2025
Homeરાજ્યહાલારમંદિરના પુજારીની ઓરડીમાં પરપ્રાંતિય શખ્સનો હાથફેરો

મંદિરના પુજારીની ઓરડીમાં પરપ્રાંતિય શખ્સનો હાથફેરો

રૂ. 11.90 લાખની રોકડ તેમજ બાઈક ચોરીને ફરાર

ઓખામાં નાગેશ્વર મંદિરથી થોડી દૂર આવેલા મોમાઈ માતાજીના મંદિરના પૂજારીની ઓરડીમાં સેવા પૂજા માટે રાખવામાં આવેલા એક રાજસ્થાની શખ્સ દ્વારા ઓરડીમાંથી રૂ. 11.90 લાખની રોકડ રકમ તેમજ એક મોટરસાયકલની ચોરી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ ચકચારી બનાવ અંગે પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના ઓખાથી 30 કિલોમીટર દૂર આવેલા મૂળવેલ ગામના દરિયા કિનારે આવેલા મોમાઈ માતાજીના મંદિરના પૂજારી અનિલગીરી મોહનગીરી દશનામી નામના યુવાન થોડા દિવસો પૂર્વે ભંડારો કરવા માટે નેપાળ ગયા હતા. આથી તેમણે મંદિરમાં સેવા-પૂજા કરવા માટે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના મૂળ રહીશ એવા નખતારામ શિમર્થરામ નામના શખ્સને રૂ. 5,000 નક્કી કરીને રાખ્યો હતો.
આ પછી ગત તારીખ 19 ઓગસ્ટના રોજ ઉપરોક્ત મંદિરના પૂજારી અનિલગીરીની ઓરડીમાં રહેલી લોખંડની પેટીમાંથી રૂ. 11.90 લાખ જેટલી રોકડ રકમ લઈને ઉપરોક્ત શખ્સ નાસી છૂટ્યો હતો. આટલું જ નહીં, અનિલગીરીનું રૂપિયા 50,000 ની કિંમતનું ટીવીએસ કંપનીનું મોટરસાયકલ પણ સાથે લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે.
આમ, કુલ રૂપિયા 12,40,000 ના મુદ્દામાલની ચોરી થવા સબબ મૂળવેલ ગામના રહીશ અને ખેતી તેમજ સમાજ સેવાની પ્રવૃત્તિ કરતા જીવણભા જોધાભા જગતિયા નામના યુવાનની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે જોધપુરના નખતારામ શિમર્થરામ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ સંદર્ભે ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી, આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બનાવે નાના એવા મૂળવેલ ગામ તેમજ ઓખા મંડળમાં ભારે ચર્ચા જગાવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular