જોડિયા તાલુકાના પીઠડ ગામની મુખ્ય બજારમાં તસ્કરોએ ત્રાટકીને દુકાનોના સટરના દરવાજા તોડી રૂા.18,350 ની રોકડ રકમની ચોરી કરી જતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે સ્થળ પર પહોંચી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં એક માસથી તસ્કરોનો તરખાટ વધી ગયો છે. છેલ્લાં એક માસથી શહેર અને જિલ્લામાં રહેણાંક મકાનો અને દુકાનોને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને શિયાળાની રાત્રીનો તસ્કરો વધુ ફાયદો ઉઠાવે છે. જામનગર શહેરમાં 40 દિવસથી તસ્કરો જુદા જુદા વિસ્તારોમાં રહેણાંક મકાનો અને દુકાનોને ટાર્ગેટ બનાવી શિયાળાની રાત્રિનો ગેરલાભ ઉઠાવે છે. સોમવારની રાત્રિના જોડિયા તાલુકાના પીઠડ ગામની મુખ્ય બજારમાં આવેલી દુકાનોમાંથી તસ્કરો રોકડ ચોરી કરી ગયા હતાં. બીજે દિવસે સવારના સમયે મહેશ ભાણજીભાઇ હોથી નામના પટેલ વેપારી યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. નાના એવા ગામની મુખ્ય બજારમાં એક સાથે ત્રણ દુકાનોમાંથી ચોરી થવાની ઘટનાના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે મહેશ હોથીના નિવેદનના આધારે અજાણ્યા તસ્કરો એ દુકાનોના સટર ઉચા કરી, દરવાજાના નકૂચા તોડી જુદી જુદી ત્રણ દુકાનોમાંથી રૂા.18350 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.