જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી કોઇ તસ્કરોએ 21 હજારની કિંમતની 50 કિલો સોપારીના બે બાચકાની ઉઠાંતરી કરી ગયાની સોપારીના વેપારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધોળે દહાડે સોપારીની ચોરીના બનાવને લઇને શહેરમાં ચકચાર જાગી છે.
આ અંગે મળતી વિગત અનુસાર જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતાં અને સોપારીનું વેપાર કરતાં મનીષ અમૃતલાલ પરમાર નામના વેપારીએ પોતાના ધંધા માટે 50 કિલો સોપારીના બે બાચકાની ખરીદી કરી હતી. ત્યારે ગત્ તા.20 જાન્યુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં ત્રણ દરવાજા નજીક એપી દોશી એજન્સીની દુકાન બહાર રોડ પરથી તસ્કરો રૂા.21,000ની કિંમતની બે બાચકા સોપારીની ઉઠાંતરી કરી ગયા હતાં.
આ અંગે મનીષભાઇ દ્વારા જામનગર સીટી બી ડિવિઝનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી બી એએસઆઇ એમ.એમ.જાડેજા દ્વારા આ અંગે તપાસ શરૂ કરી છે. ગ્રેઇન માર્કેટ જેવા ધમધમતા વિસ્તારમાં ચોરીની ઘટનાને લઇ ભારે ચર્ચા જાગી છે.