ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં સરકારી દવાખાના પીએચસીમાં ફરજ બજાવતા મહિલા તેના પુત્ર સાથે સેન્ટરે સુવા ગયા હતાં તે દરમિયાન તસ્કરોએ દરવાજાના નખૂચા તોડી મકાનમાંથી રૂા.10,000 ની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.89,500 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા સરકારી દવાખાના કવાર્ટર નંબર 5 માં રહેતા જીજ્ઞાબેન શંકરભાઈ દવે નામના મહિલા તેના પુત્ર સાથે ઘરે તાળુ મારીને પીએચસી સેન્ટરમાં સુવા માટે ગયા હતાં. જયાંથી રવિવારે સવારે ઘરે પરત ફરતા દરવાજાનું તાળુ નખૂચામાંથી તૂટેલું જોવા મળ્યું હતું અને ઘરના રૂમમાં રાખેલા કબાટના લોક તૂટેલા જોવા મળ્યા હતાં અને સામાન વેર વિખેર પડયો હતો. તેમજ કબાટમાં રાખેલી રૂા.6500 ની કિંમતની સોનાની ચીપ વાળી ચાર બંગળી તથા રૂા.18,500 ની કિંમતની સોનાની બે વીંટી તેમજ રૂા.40 હજારની કિંમતનો સોનાનો પેંડલ સેટ ચેન અને બે બુટી તથા રૂા.7000 ની કિંમતનો ચાંદીનો કંદોરો અને 2500 ની કિંમતના ચાંદીના સાંકળા, 3500 ની કિંમતની ચાંદીની ચેઈન અને રૂા.1500 ની કિંમતની ચાંદીની લકકી તથા રૂા.10 હજારની રોકડ રકમ મળીને કુલ રૂા.89,500 ની કિંમતની માલમતાની તસ્કરો ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં દોઢ બે માસથી તસ્કરોનો તરખાટ સતત વધી રહ્યો છે. પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ તસ્કરો બેખોફ બનીને એક પછી એક ચોરીની વારદાતને અંજામ આપી રહ્યા છે.