જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર પટણી વાડ વિસ્તારમાં રહેતાં મેમણ વેપારીના બંધ મકાનનું તાળુ કાપીને તસ્કરોએ રૂમમાં પ્રવેશ કરી 75 હજારની રોકડ રકમ અને રૂા.6.65 લાખના પોણા પંદર તોલાના દાગીના મળી કુલ 7.40 લાખની માલમતાની ચોરી કરી ગયાની ઘટનામાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર પટણી વાડ વિસ્તારમાં આવેલી ખંભોત્રી ફળીમાં રહેતાં મેમણ વેપારી ઉવેશ બસીરઇભાઈ લુસવાલા નામના યુવાનના બંધ મકાનમાં રક્ષાબંધનના દિવસે સાંજના 5 થી રાત્રિના 10 વાગ્યા સુધીના પાંચ કલાકના સમય દરમિયાન તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ કોઇ હથિયાર વડે કાપીને ઉપરના માળે આવેલા રૂમમાં પ્રવેશ કર્યો હતો અને રૂમના કબાટના તાળા તોડી તેમાં રાખેલો દોઢ તોલાનો સોનાની સરવાળો સેટ, અઢી તોલાનો સોનાનો કાળા મોતીના સરવાળા બે મંગલસુત્ર, સાડા પાંચ તોલાના સોનાના બે નંગ પાટલા, બે સોનાની વીંટી, સોનાના ત્રણ નંગ પેડલ, કાનની જુદા જુદા પ્રકારની બુટીઓની છ જોડી, એક પોણા તોલાનો સોનાનો ચેઈન સહિત રૂા.6.65 લાખની કિંમતના પોણા પંદર તોલાના સોનાના દાગીના અને 75 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.7,40,000 ની કિંમતની માલમતા ચોરી કરી લઇ ગયા હતાં.
આ બનાવ અંગે ઘરે પરત ફરેલા વેપારી ઉવેશભાઈ દ્વારા જાણ કરાતા પીઆઇ એમ.જે.જલુ, પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. જો કે, પોલીસના પ્રાથમિક તારણમાં ચોરી કરનાર કોઇ જાણભેદુ હોવાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.