Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વકીલના બંગલામાંથી કેટલા લાખની રોકડ અને કેટલાના દાગીના ચોરી થયા...? જાણો...

જામનગરમાં વકીલના બંગલામાંથી કેટલા લાખની રોકડ અને કેટલાના દાગીના ચોરી થયા…? જાણો વિગતવાર

- Advertisement -

જામનગર શહેરના વાલ્કેશ્ર્વરી નગરીમાં રહેતાં વકીલના બંગલામાંથી લાખોની કિંમતના દાગીના અને રોકડની ચોરી થતાં શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.વકીલ પરીવાર સાથે બહારગામ ગયા હતાં તે દરમિયાન ચાર દિવસ બંધ રહેલાં બંગલાને તસ્કરોએ દરવાજા તોડી બંગલામાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.34.27 લાખની માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આદરી હતી.

- Advertisement -

સાતમ-આઠમના તહેવાર દરમ્યાન શહેરના પોશ વિસ્તાર ગણાતા વાલ્કેશ્ર્વરી નગરીમાં ફેઇઝ-2માં પ્લોટ નં.143-બી માં ‘અરિહંત’ બંગલામાં રહેતાં અને દ્વારકામાં વકીલાત કરતાં રાજેશ અનંતરાય શેઠ તેના પત્ની, પુત્રી અને પુત્ર સાથે 19 તારીખના જામનગરથી રાજકોટ ગયા હતાં અને 20 ના સાંજે ત્યાંથી પાલીતાણા દર્શનાર્થે ગયા હતાં. ત્યારબાદ પાલીતાણાથી તા.21 ના રોજ સાંજે સુરેન્દ્રનગરમાં રહેતાં તેમના બહેનના વાસ્તામાં ગયા હતાં અને ત્યાં મંગળવારે બપોરના સમયે તેમના મિત્ર કમલેશભાઈ શાહે ફોન કરી રાજેશભાઈના મકાનનો દરવાજા ખુલ્લા હોવાનું જણાવતા ચોરી થયાનો અંદાજ આવી ગયો હતો. જેથી રાજેશ શેઠ અને તેમનો પરિવાર તાત્કાલિક જામનગર આવવા રવાના થયો હતો. દરમ્યાન ચાર દિવસ બંધ રહેલા બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને બંગલાનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તેમજ રૂમના કબાટમાં રહેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તસ્કરોને સફળતા મળી ન હતી અને કબાટમાંથી સામાન વેરવિખેર કરતાં તિજોરીની ચાવી મળી આવતા તિજોરી ચાવી વડે ખોલી તેમાંથી રૂા.12 લાખની કિંમતના 40 તોલા સોનાના દાગીના અને રૂા.15 હજારની કિંમતના 150 ગ્રામ ચાંદીના દાગીના તથા 8 હજારની કિંમતની 8 ઘડિયાળ તેમજ રૂા.4000 ની કિંમતનો એક મોબાઇલ તથા ચીજ-વસ્તુઓના બીલ અને મહાનગરપાલિકાના ટેકસના બીલની બે ફાઈલ ઉપરાંત રૂા.22,00,000 ની માતબર રોકડ રકમ મળી કુલ રૂા.34,27,000ની માલમતા ચોરી કરી ગયા હતાં.

આ ઘટનાની જાણ કરાતા પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને એફએસએલ તેમજ ગુના શોધક શ્ર્વાનની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી. પોલીસ સ્ટાફે આજુબાજુના વિસ્તારોમાં ચાર દિવસના સીસીટીવી ફુટેજો મેળવવા તપાસ આરંભી હતી તેમજ વકીલની આજુબાજુમાં રહેતાં લોકોની પણ પૂછપરછ કરી હતી. વકીલના નિવેદનના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular